ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદે હાહાકાર મચાવ્યો છે. જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધ પોતાના રૌદ્ર રૂપમાં જોવા મળ્યો...જેના કારણે પ્રવાસીઓને ધોધ પાસે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે અનેક કોઝવે પર પાણી ફરી વળ્યું છે. આ ભારે વરસાદને કારણે જિલ્લાના 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે, અને વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. ઘોડવહળ ગામ નજીકનો કોઝવે પૂરમાં ગરકાવ થતાં જિલ્લા મથક આહવા સાથેનો સંપર્ક તૂટ્યો છે, જ્યારે સાપુતારા-સામગાહન રાજ્ય ધોરીમાર્ગ પર ભેખડ અને વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ બંધ થયો છે.