Home / Entertainment : Chitralok : Aaye Ho Meri Zindagi Mein tum bahar ban ke

Chitralok : આયે હો મેરી જિંદગી મેં તુમ બહાર બન કે

Chitralok : આયે હો મેરી જિંદગી મેં તુમ બહાર બન કે

'આયે હો મેરી જિંદગી મેં...' ગીતનાં બન્ને વર્ઝન સરસ જમાવટ કરે છે. અહીં તર્જની તુલનાએ લય વધુ અસર કરે છે. 'રાજા હિન્દુસ્તાની'નું સંગીત સાંભળતાં એવું સતત લાગ્યા કરે છે કે તર્જ કરતાં લય વધુ પ્રભાવશાળી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'સામહેશ ભટ્ટ  દિગ્દર્શિત, ગુલશનકુમાર નિર્મિત અને નદીમ-શ્રવણના મધુર ગીતોવાળી સુપરહિટ ફિલ્મ 'દિલ હૈ કી માનતા નહીં' વિશે આપણે વાત કરી ગયા. સતત ત્રણ વર્ષ સુધી બેસ્ટ સંગીતનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા પછી નદીમ-શ્રવણે ફરી એકવાર ૧૯૯૬-૯૭માં ફિલ્મફેર એવોર્ડ મેળવનારું સંગીત આપ્યું. આ વખતે ફિલ્મસર્જક ધર્મેશ દર્શને ૧૯૬૫ની સુપરહિટ ફિલ્મ 'જબ જબ ફૂલ ખિલે'ની કથામાં આછોપાતળો ફેરફાર કરાવીને 'રાજા હિન્દુસ્તાની' ફિલ્મ બનાવી. અહીં એક આડવાત જરૂરી છે. એક અંગ્રેજી અખબાર સમૂહના ફિલ્મ સામયિકના નામે અપાતા ફિલ્મ ફેર એવોર્ડ બાબત છેક ૧૯૬૦ના દાયકાથી એક યા બીજા પ્રકારના વિવાદો સર્જાતા હતા. સંગીતકાર નૌશાદે તો હવે પછી મારું નામ આ એવોર્ડ માટે નોમિનેટ કરવું નહીં એવી સ્પષ્ટ વાત એવોર્ડ સમિતિ સમક્ષ કરી દીધી હતી. વિઘ્નસંતોષીઓ નદીમ-શ્રવણના નામ સાથે પણ ખરાખોટા આક્ષેપો કરતા હતા કે એમણે લાબિંગ અને ખટપટો દ્વારા એવોર્ડઝ્ મેળવ્યા છે. આપણને એ વિવાદમાં રસ નથી. આપણને નદીમ-શ્રવણના સંગીત સાથે સંબંધ છે.

મૂળ ફિલ્મ 'જબ જબ ફૂલ ખિલે'માં હેન્ડસમ અભિનેતા શશી કપૂરે જમ્મુ કશ્મીરના દાલ સરોવરમાં સજેલી ધજેલી અને શિકારા તરીકે ઓળખાતી હોડીના નાવિક-માલિકનો રોલ કરેલો. નંદાએ એક ધનાઢય પિતાની લાડકી પુત્રીનો રોલ કરેલો. 'રાજા હિન્દુસ્તાની'માં અભિનેતા આમિર ખાને પાલનખેત નામના રળિયામણા હિલ સ્ટેશનના ટેક્સી ડ્રાઇવર-કમ-ગાઇડનો રોલ કર્યો છે અને કરિશ્મા કપૂરે શ્રીમંત પિતાની પુત્રીનો રોલ કર્યો છે. ફિલ્મ 'જબ જબ ફૂલ ખિલે'ના સંગીતે તો રીતસર તહલકો મચાવેલો. સંગીતકાર બંધુબેલડી કલ્યાણજી-આણંદજીના સંગીતે ફિલ્મને હિટ બનાવવામાં લાયન્સ શેર આપેલો એમ કહીએ તો ચાલે. આ ફિલ્મનું એક ગીત તો બહુ ચાલેલું - 'પરદેશિયોં સે ના અંખિયાં મિલાના, પરદેશીઓં કો હૈ એક દિન જાના...' 'રાજા હિન્દુસ્તાની'માં ગીતકાર સમીરે મૂળ ગીત કરતાં અલગ ભાવ રજૂ કર્યો છે. 'પરદેસી પરદેસી જાના નહીં...' પરદેસી શબ્દ મુખડામાં બે વખત વાપરીને સમીરે કમાલ કરી છે. 'જબ જબ ફૂલ ખિલે' કરતાં અહીં અલગ ભાવ કલાત્મક રીતે રજૂ થયો. પ્રિય પાત્રને રોકવા માટે જે આગ્રહ કરવો પડે એ શબ્દના પુનરાવર્તન દ્વારા ગીતકારે કર્યો છે. રાજા હિન્દુસ્તાનીનાં બધાં ગીતો સમીરે લખ્યાં છે.

પહેલીવાર સપના અવસ્થી, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિાક, બીજીવાર પણ આ ગાયક ત્રિપુટી અને ત્રીજીવાર બેલા અને સુરેશ વાડકરના કંઠે આ ગીત પરદા પર રજૂ થાય છે. ગીતના મુખડામાં અનેરી ચબરાકી છે - 'મૈં યહ નહીં કહતી કી પ્યાર મત કરના, કિસી અજનબી કા એતબાર મત કરના, પરદેશી પરદેશી જાના નહીં...' 'જબ જબ ફૂલ ખિલે'ના 'પરદેસિયોં સે ન અંખિયાં મિલાના'માં કલ્યાણજી-આણંદજીએ ઘુંટાયેલી વેદના જેવો રાગ શિવરંજની વાપરેલો. ગીત સુપરહિટ નીવડયું હતું. અહીં નદીમ-શ્રવણે રાગમાલાનો પ્રયોગ કર્યો છે. ગીત ઉપડે છે મુહબ્બતના માનીતા રાગ પહાડીમાં. ત્યારબાદ અંતરામાં શિવરંજની, ક્રમશ: જનસંમોહિની અને પરાકા રૂપે મારુ બિહાગમાં ગીત વિસ્તરે છે. ઝડપી કહરવા તાલમાં ગીત અનેરી આભા સર્જે છે. સાંભળનાર ધરાય નહીં એવાં તર્જ લય સંગીતકારોએ સર્જ્યાં છે.

નાયક નાયિકાને પ્યારનું ઇજન કેવી રીતે આપે છે એ ભાવનાને તાદ્રશ કરતું ગીત 'આયે હો મેરી જિંદગી મેં તુમ બહાર બન કે, મેરે દિલ મેં યૂં હી રહના તુમ પ્યાર-પ્યાર બન કે...' ઉદિત નારાયણે જમાવ્યું છે. આ ગીતનું અલકા યાજ્ઞિાકનું વર્ઝન પણ એટલું જ અસરકારક છે. અહીં તર્જની તુલનાએ લય વધુ અસર કરે છે. જોકે 'રાજા હિન્દુસ્તાની'નું સંગીત સાંભળતાં એવું સતત લાગ્યા કરે છે કે તર્જ કરતાં લય વધુ પ્રભાવશાળી છે. પછીના ગીતમાં તો શબ્દો સાથે સ્વરો અને લય પકડાપકડી રમતાં હોય એવી કમાલ સર્જાઈ છે. 'ઉફ્ફ ક્યા રાત આયી હૈ, મુહબ્બત રંગ લાયી હૈ દમ દમ દૂબા દૂબા, દૂબા દૂબા દમ દમ, તેરે  ઇશ્ક મેં નાચેંગે...' પરદા પર પણ આ ગીત ડાન્સ સોંગ તરીકે રજૂ થયું છે.

પ્રિયપાત્રોમાં ક્યારેક તો રુઠના મનાના જેવી મીઠડી ખેંચતાણ થવાની જ. રુઠના મનાના જેવું ગીત જબરદસ્ત ઉપાડ સાથે ખુલે છે- 'પૂછો જરા પૂછો, મુઝે ક્યા હુઆ હૈ, કૈસી બેકરારી હૈ, યહ કૈસા નશા હૈ, તુમ સે દિલ લગાને કી સજા હૈ...' આ ગીતનો ઉપાડ, મુખડું અને અંતરા વચ્ચેનો ઇન્ટરલ્યુડ અને પરાકા ત્રણેમાં લય જોરદાર છે. આવેશપૂર્ણ 'પૂછો જરા' શબ્દોને સંગીતકારોએ ખૂબીપૂર્વક સ્વરોમાં ગૂંથી લીધા છે.

બોલિવુડના મોટા ભાગના સંગીતકારોએ રાગ શિવરંજનીનો ઉપયોગ જુદી જુદી રીતે વિપુલતાથી કર્યો છે. અઢળક ગીતો આ રાગમાં મળી આવે. અહીં નદીમ-શ્રવણે આ રાગમાં એક આકર્ષક લવ સોંગ આપ્યું છે- 'જી કરે દેખતા રહું, કિતના પ્યારા રબ ને બનાયા તુઝે, જી કરે દેખતા રહું...'

એક પ્રયોગ રૂપે કદાચ નિર્માતા-નિર્દેશકના આગ્રહથી અહીં એસ. ડી. બર્મનના એક ગીતનો ઉપયોગ કરાયો છે. આ ગીત કિશોરકુમારે ફિલ્મ 'સગીના' માટે ગાયું હતું. અભિનયસમ્રાટ દિલીપકુમાર પર એ ફિલ્માવાયું હતું. દિલીપકુમાર માટે કિશોરકુમારનો કંઠ વપરાયો હોય એવું કદાચ આ એકમાત્ર ગીત છે. શબ્દો મજરૂહ સુલતાનપુરીના છે. 'સાલા મૈં તો સાબ બન ગયા, સાબ બન કે કૈસા તન ગયા, યે સૂટ મેરા દેખો, યે બૂટ મેરા દેખો, જૈ સે ગોરા કોઇ લંડન કા...' પરદા પર આમિર ખાન પર આ ગીત ફિલ્માવાયું છે. 

ફિલ્મ રજૂ થઇ ત્યારે હિટ નીવડી હતી અને સંગીતે કરોડો ફિલ્મસંગીતપ્રેમીઓને ઝૂમતા કરી દીધા હતા. 

Related News

Icon