
જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનને લઈને ઠોસ નિર્ણયો લીધા છે. પાકિસ્તાને પણ ભારત વિરોધી કેટલાક પગલાં લીધા છે. આ દરમિયાન ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે, ત્યારે દિલ્હી-દુબઈ વચ્ચેની ફ્લાઈટનું સ્ટોપઓવર રાજકોટ કરાયું છે. જેમાં ટેકનિકલ અને મેડિકલ ઇમરજન્સીમાં લેન્ડિંગ માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે.
રાજકોટ એરપોર્ટને 24 કલાક કાર્યરત રહેશે
જમ્મુ-કાશ્મીરના પહલગામના હુમલા બાદ ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરાયું છે, ત્યારે હવે દિલ્હી એરપોર્ટ અને એર ઇન્ડિયા પર સૌથી વધુ અસર પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જેને લઈને ગુજરાતના રાજકોટ એરપોર્ટને 24 કલાક કાર્યરત કરવાની પરવાનગી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. પાકિસ્તાને ભારતના વિમાનો માટે એરસ્પેસ બંધ કર્યું હોવાથી ભારતીય એરલાઇન્સે ટાઈમ ટેબલ અનુસરવા અને રદ કરવાને લઈને પ્રયાસો શરૂ કરી દીધા છે.
સમગ્ર મામલે રાજકોટના કલેક્ટરે જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન એરસ્પેસ બંધ થતાં અમુક ખાનગી એર લાઇન્સ દ્વારા ભારત સરકારને વિનંતી કરવામાં આવી હતી. જેને લઈને ટેકનિકલ અને મેડિકલ ઇમરજન્સીમાં લેન્ડિંગ માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ઉપયોગ કરી શકશે.'