
રાજકોટમાં ગત રોજ બસ ચાલકે સંખ્યાબંધ વાહનોને ટક્કર મારી હતી, આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા હતા. તો બીજી તરફ અકસ્માતની ઘટનામાં કંપનીને માત્ર 2674 રૂ.નો દંડ ફટકારીને તંત્રએ સંતોષ મેળવ્યો છે. એજન્સીનું સંચાલન મનપાના પૂર્વ આસી.ઇજનેર જસ્મિન રાઠોડ અને ભાજપ અગ્રણી વિક્રમ ડાંગર નામની વ્યક્તિ સંભાળે છે.
કંપનીને માત્ર 2674 રૂ.નો દંડ ફટકારીને તંત્રએ સંતોષ મેળવ્યો
રાજકોટમાં સિટી બસનાં ડ્રાઇવરો બેફામ બની ડ્રાઇવિંગ કરતાં હોવાની વ્યાપક ફરિયાદો અને રોષને તંત્ર ધ્યાને લેતું નથી. આ સ્થિતિ વચ્ચે ગત રોજ સવારે દસેક વાગ્યાની આસપાસ ઇન્દિરા સર્કલ જેવા સતત ધમધમતા વિસ્તારમાં માતેલા સાંઢની જેમ, બેદરકારીથી ડ્રાઇવિંગ કરી ઇલેક્ટ્રિક સિટી બસનાં ચાલકે આગળ જતાં આઠેક ટુ વ્હીલરને હડફેટે લઇ ઢસડતાં અફરા-તફરી મચી ગઇ હતી.
8 વાહનોને લીધા હતા હડફેટે
આ ગોઝારા અકસ્માતમાં બે મહિલા, મનપા, યુનિવર્સિટીના પ્યૂન સહિત ચારનાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. જ્યારે બાળકી સહિત પાંચ ઘવાયા હતાં. જેના પગલે લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર સિટી બસમાં મોટાપાયે તોડફોડ કરી, તેનાં ડ્રાઇવરને ઢીબી નાખ્યો હતો. વિફરેલા ટોળાને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસે સિટી બસનાં ચાલક સામે સાપરાધ મનુષ્ય વધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
શું કોન્ટ્રાક્ટ કંપની કે એજન્સી વિરુદ્ધ લેવાશે પગલાં
રાજકોટમાં સીટી બસના અકસ્માતની ઘટના બાદ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા બેઠક બોલાવવામા આવી હતી. આ બેઠકમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.બેઠકમાં પોલીસ કમિશ્નરે મનપા અને કોન્ટ્રાક્ટ મેળવનાર કંપની તેમજ કંપની અને એજન્સી વચ્ચે કઈ રીતે કરાર થયો છે તે બાબતે વિગતો મેળવવા આદેશ આપ્યો હતો.સમગ્ર ઘટનામાં કંપની અને એજન્સી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકાય છે કે કેમ તે બાબતે પણ આદેશ આપવામા આવ્યા હતા.કંપની અને એજન્સીના માણસોની જવાબદારી કઈ રીતે ફિક્સ થઈ શકે છે તે બાબતે તપાસ કરવા સૂચના આપવામા આવી.