
Pahalgam Attack: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. આ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત થયા છે. જેને પગલે ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ઘટનાને પગલે અઢળક લોકો જમ્મુમાં ફસાયેલા છે. આજે જ ભાવનગરના ફસાયેલા 17 લોકો પોતાના વતન પરત ફર્યા હતા. એવામાં રાજકોટનો એક પરિવાર પણ ત્યાં ફસાયો હતો. જો કે, તંત્રની મદદથી તેમને હેમખેમ પરત લાવવામાં સફળતા મળી છે.
તંત્રએ શ્રીનગરથી રાજકોટ સુધીની વ્યવસ્થા કરી આપી
મળતી માહિતી પ્રમાણે, શ્રીનગરમાં ફસાયેલ પરિવાર રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી પોતાના ઘરે પહોંચ્યો છે. તંત્રએ શ્રીનગરથી અમદાવાદ સુધી ફલાઇટ અને અમદાવાદથી રાજકોટ સુધી ટેક્ષીની વ્યવસ્થા કરી આપી હતી. રાજકોટના નીરવ આચાર્ય તેના પત્ની કિરણ તથા પુત્ર જ્ઞાનેશ અને તીર્થ શ્રીનગરમાં ફસાયા હતા.
વિકટ પરિસ્થતિમાં મદદ બદલ પરિવારે તંત્રનો આભાર માન્યો
જમ્મુ કશ્મીર ફરવા ગયેલ પરિવાર આતંકી હુમલા બાદ શ્રીનગરમાં ફસાયા હતા. 23મી એપ્રિલે ગુજરાત ટુરિઝમમાં પરિવારે મદદ માટે ફોન કર્યો હતો. ગુજરાત ટુરિઝમ દ્વારા કલેક્ટર પ્રભવ જોશીનો નંબર અપાયો હતો. પરિવારે કલેક્ટર પ્રભવ જોશીને ફોન કરતા તંત્રએ તાત્કાલિક તમામ વ્યવસ્થા કરી આપી હતી. વિકટ પરિસ્થતિમાં મદદ બદલ કલેક્ટર તંત્ર તેમજ રાજ્ય સરકારનો પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.