રાજકોટ શહેર પોલીસ કમિશનરના ફિંગર પ્રિન્ટ વિભાગમાં ફરજ બજાવનારી મહિલા કોન્સ્ટેબલ શીતલ પટેલ હાલ પોતાની રીલ અને રીયલ લાઇફ માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ડિસિપ્લિનરી ફોર્સમાં કામકાજ કરતા કરતા એક મહિલા કોન્સ્ટેબલ ફિલ્મ જગતમાં પગ માંડ્યો હોય તેવો ગુજરાતમાં કદાચ પ્રથમ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. પોતાના પિતાનું સ્વપ્ન સાકાર કરતા કરતા શીતલ પટેલે પોતાનું સ્વપ્ન પણ સાકાર કર્યું હોવાનું સામે આવ્યું છે.
કચ્છમાં શુટ થયેલી રસપ્રદ ફિલ્મની વાર્તા જણાવી
થોડા સમય પૂર્વે ગુજરાતી ફિલ્મ આવી હતી જેનું નામ હતું રણભૂમિ. રણભૂમિ ફિલ્મ કચ્છના એક નાનકડા એવા ગામમાં શૂટ કરવામાં આવી હતી. ફિલ્મની કહાની એવી છે કે, ગામની દીકરી શહેરમાં ભણવા માટે જાય છે અને ત્યારબાદ તે પોતાના ગામ ખાતે પરત આવી સરપંચ બને છે અને ગામની કાયાપલટ કરે છે. મહિલા સશક્તિકરણ ઉપર બનેલી આ ફિલ્મને લઈ તેની લીડ એક્ટ્રેસ અને રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીના ફિંગર પ્રિન્ટ વિભાગમાં ફરજ બજાવનારી શીતલ પટેલ હાલ ચર્ચાનું કેન્દ્ર બને છે. ડિસિપ્લિનરી ફોર્સ સાથે જોડાયેલી શીતલ પટેલે થોડા મહિના અગાઉ રિલીઝ થયેલી ફિલ્મ રણભૂમિમાં લીડ એક્ટ્રેસની ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે.
GSTV Exclusive Interviewમાં તેમણે તેમના જીવન અંગે પણ જણાવ્યું
વર્ષ 2017થી ગુજરાત પોલીસમાં અને રાજકોટ ખાતે ફરજ બજાવનારી મહિલા કોન્સ્ટેબલ શીતલ પટેલે GSTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પિતા ગત જુન મહિનામાં જ શિક્ષણ વિભાગમાંથી રીટાયર્ડ થયા છે. ત્યારે મારા પિતાનું સ્વપ્ન હતું કે, હું પણ તેમની જેમ સરકારી નોકરી મેળવું અને સમાજની સેવા કરું. ત્યારે પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે મેં ગુજરાત પોલીસમાં ભરતી થવાનો નિર્ણય લીધો હતો. તેના માટે કપરી શારીરિક કસોટી પણ પાર કરવા માટે મહેનત કરી હતી.
પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે હું પોલીસમાં ભરતી થઈ
પરંતુ મારી વ્યક્તિગત લાગણી અને મારું સ્વપ્ન ફિલ્મમાં કામ કરવાનું હતું. હું જ્યારે અભ્યાસ કરતી હતી તે સમયે પણ નાટકોમાં ભાગ લેવો મને ખૂબ જ ગમતો હતો. ત્યારે રણભૂમિની લીડ એક્ટ્રેસ સહિતનાઓ બાબતેની જાહેરાત મેં ન્યુઝ પેપરમાં વાંચી હતી. ત્યારબાદ મેં અમદાવાદ ખાતે ઓડીશન પણ આપ્યું હતું, જેમાં હું સિલેક્ટ થતા અંદાજિત એક મહિના જેટલો સમય ફિલ્મના શૂટિંગમાં લાગ્યો હતો.
મારા PI, DCP તેમજ શહેર પોલીસ કમિશનરનો સાથ મળ્યો - શીતલ પટેલ
વધુમાં તેમણે જણાવ્યું કે, ફિલ્મમાં કામ કરવા માટે મારે ગૃહ વિભાગમાંથી ખાસ મંજૂરી પણ મેળવવી પડી હતી. જેના માટે મારા PI, DCP તેમજ શહેર પોલીસ કમિશનર સહિતનાઓનો મને સાથ સહકાર મળ્યો હતો. મારા ઉપરી અધિકારીઓએ માત્ર એટલું કહ્યું હતું કે, ખાખીને ડાઘ ન લાગે તે જોજો અને પ્રોટોકોલમાં રહીને કામકાજ કરજો.
ફિલ્મ રણભૂમિ મહિલા સશક્તિકરણનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. ફિલ્મ રણભૂમિમાં મારા પાત્રનું નામ લીલા છે. મેં ગામની સરપંચ તરીકે ભૂમિકા ભજવી છે. તેમજ ગામની મહિલાઓ કઈ રીતે પોતાના પગ ઉપર ઊભી થઈ છે તેમજ શાસ્ત્રની સાથે શસ્ત્રનું પણ પ્રદર્શન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું છે. મહિલાઓને મારે એટલી જ અપીલ કરવાની છે કે આપણે આપણા જે સ્વપ્ન હોય છે તે સાકાર કરવા જોઈએ. આપણે કોઈએ ક્યારેય પોતાના સ્વપ્નોને મારી ન નાખવા જોઈએ.
કોન્સ્ટેબલ શીતલ પટેલને અનેક ફિલ્મની ઓફર
એક ફિલ્મ કર્યા બાદ કોન્સ્ટેબલ શીતલ પટેલને અનેક ફિલ્મની ઓફર આવી રહી છે. પરંતુ તેઓ જણાવે છે કે, મારી એક બાબત નક્કી છે મારે માત્ર ને માત્ર ગુજરાતી ભાષા માટે, ગુજરાતી ફિલ્મ માટે, ગુજરાતી કલા જગત માટે કામ કરવું છે. આગામી સમયમાં પણ જો કોઈ સારી સ્ક્રિપ્ટ મારી પાસે લઈને આવશે તો હું ચોક્કસ તે અંગે વિચારીશ અને ભવિષ્યમાં પણ હું ફિલ્મી પડદે જોવા મળીશ.