Home / Gujarat / Rajkot : Complaint against contractor for keeping 19 child laborers locked up

Rajkotમાં 19 બાળમજૂરોને ગોંધી રાખવા મામલે ઠેકેદાર વિરુદ્ધ ફરિયાદ, બાળકોના શરીર પર મારના નિશાન

Rajkotમાં 19 બાળમજૂરોને ગોંધી રાખવા મામલે ઠેકેદાર વિરુદ્ધ ફરિયાદ, બાળકોના શરીર પર મારના નિશાન

Rajkot News: રાજકોટમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં 20 જેટલા પશ્ચિમ બંગાળના બાળકોને ગોંધી રાખ્યા હોવાની બાતમી મળતાં પોલીસ અને SOGએ સાથે મળીને કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે SOG પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે સાથે મળી બાળકોને મુક્ત કરાવ્યા હતા. હાલ બાળકોને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તમામ બાળકો પશ્ચિમ બંગાળના વતની હોવાનું ખુલ્યું

સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઠેકેદાર અજીતમૌલા આજમતમૌલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપી બાળકોને કામ પર રાખીને માસિક 5,000 રૂ. આપતો હતો. લોખંડના રોડ દ્વારા માર પણ મારતો હતો. બાળકોને મારઝૂડ કરી ફરજિયાત કામકાજ કરવા ફરજ પાડવામાં આવતી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 19 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. 12 વર્ષથી લઈ 18 વર્ષની ઉંમરના બાળકો હોવાનું સામે આવ્યું છે.

શું હતી ઘટના

મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના બેડીચોક નજીક ગોપાલ રેસિડેન્સીની શેરી નંબર 1ના એક મકાનમાંથી 19 બાળમજૂરોને મુક્ત કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુરુવારે (5 જૂન) રાત્રે કાર્યવાહી હાથ ધરી તમામ બાળકોને મુક્ત કરાવી તેમને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં તપાસ કરવામાં આવશે કે, બાળકો સાથે કોઈ બળજબરી કે શારીરિક હિંસા કરવામાં આવી છે કે કેમ? પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બાળકોને ઇમિટેશનના કામ માટે રાખવામાં આવ્યા હતા.

2 વર્ષથી ગોંધી રાખ્યા હતા

પ્રાથમિક તપાસમાં જાણ થઈ છે કે, આ તમામ બાળકો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે અને ઇમિટેશનનું કામ કરાવવા માટે અહીં લાવવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરે બાળકોને અલગ-અલગ સમયે છેલ્લાં 2 વર્ષથી રાજકોટ ગોંધી રાખ્યા હતા, તે આ તમામ બાળકો પાસે બાળમજૂરી કરાવતો હતો. જે ઘરમાંથી બાળકો મળી આવ્યા તેના માલિકનું નામ બાબુભાઈ બાળા હોવાનું સામે આવ્યું છે.  જોકે, આ મામલે મકાન માલિકે ભાડાકરાર કર્યો છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જો ભાડાકરાર કરવામાં નહીં આવ્યો હોય તો જાહેરનામાના ભંગનો પણ ગુનો દાખલ કરવામાં આવશે.

બાળકોના શરીર પર ઈજાના નિશાન

નોંધનીય છે કે, પોલીસે બાળકોને મુક્ત કર્યા બાદ તપાસ કરી તો મોટાભાગના બાળકોના શરીર પર હાથ તેમજ પીઠના ભાગે નિશાન જોવા મળ્યા હતા, જેથી બાળકોને માર માર્યા હોવાની શંકા ઉદ્ભવી છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે. 

આ પહેલાં 31 બાળમજૂરોને કરાયા મુક્ત 

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ રાજકોટના જેતપુરમાંથી પણ આ રીતે બાળમજૂરી માટે ગોંધી રાખવામાં આવેલા 31 બાળકોને મુક્ત કરવામાં આવ્યા હતા. એપ્રિલ 2025માં જેતપુરમાં સાડીના કારખાનામાં બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાની એક NGOને બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસની સાથે મળીને બાતમીના સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન સાડીના બે કારખાનામાંથી 31 જેટલા બાળમજૂરો મળી આવ્યા હતા. આ બાળમજૂરો વિશે તપાસ કરતાં સામે આવ્યું કે, ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી તેમને અહીં લાવીને અહીં ગોંધી રાખી કામ કરાવવામાં આવતુ હતું. હાલ આ તમામ આરોપીને કારખાનામાંથી મુક્ત કરાવી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. 

ટુંકાગાળામાં જ રાજકોટમાં આ બીજી ઘટના

બે મહિનામાં રાજકોટમાં આવી બીજી ઘટના બન્યા બાદ સવાલ ઊભો થઈ રહ્યો છે કે, રાજકોટમાં આ બાળમજૂરીના દૂષણે કેવી રીતે ઘર કરી દીધું છે? આટલી મોટી સંખ્યામાં અપહરણ કરીને લાવવામાં આવેલા બાળકોને ગોંધી રાખવાની હિંમત કેવી રીતે થાય છે? બાળકોની તસ્કરી કરનારા આ માફિયાઓ માટે સુરક્ષિત શહેર કેવી રીતે બની ગયું? બાળકોને નરકમાં હોમનારા આ લોકોને કાયદા અને વ્યવસ્થાનો ડર કેમ નથી? 

Related News

Icon