
Rajkot News: રાજકોટમાં રાજકારણ છેલ્લા કેટલાક સમયથી ગરમાયું છે. એવામાં પિયુષ રાદડિયાએ અંતે પોલીસને કાયદાના પાઠ ભણાવવા કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પિયુષ રાદડીયાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ,પીએસઆઇ અને કોન્સ્ટેબલ સહિતના સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં પોલીસે કાયદો હાથમાં લઈને કરેલા અત્યાચાર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.
ઇમેઇલ મારફતે ડીજીપીને ફરિયાદ કરી હોવાની પણ વિગતો સામે આવી
બની ગજેરા કેસમાં મદદગારીમાં નામ આવ્યા બાદ પોલીસે ટોર્ચર કર્યો હોવાના આક્ષેપ બાદ કોર્ટમાં ફરિયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી છે. પિયુષ રાદડિયાએ રાજ્ય પોલીસ વડા ડીજીપીને ઇમેઇલ મારફતે ફરિયાદ કરી હોવાની પણ વિગતો સામે આવી છે. આજે કોર્ટમાં તાલુકા પીઆઈ એ.ડી. પરમાર અને કોન્સ્ટેબલ તેનસિંહ ચુડાસમા સહિતના કોન્સ્ટેબલો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામા આવી છે.
શારીરિક અને માનસિક યાતના આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
ખોટા ગુનામાં અને નોટિસ વિના ગેરકાયદેસર અટક કરી સારી રીતે માનસિક યાતનાઓ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કેમિકલવાળું પાણી પીવડાવી માર મારવામાં આવ્યો અને પટ્ટા મારવામાં આવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આખરે ગોંડલમાં પિયુષ રાદડિયા કોર્ટમાં કાયદાનો સહારો લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.