
વડોદરાના બહુ ચર્ચિત રક્ષિત હિટ એન્ડ રન કેસમાં અનધર રાઉન્ડ અને મિસ્ટ્રી ગર્લ નિકિતાનું રહસ્ય જાહેર થયું છે. આ અકસ્માત મામલે રક્ષિતનો મિત્ર સુરેશ ભરવાડ પણ ઝડપાઈ ગયો છે. ત્યારે અગાઉ ઝડપાયેલા પ્રાંશુએ અનધર રાઉન્ડ અને મિસ્ટ્રી ગર્લ નિકિતા મામલે મોટો ખુલાસો કર્યો છે.
રક્ષિત આઈ લાઈક નિકિતા બોલ્યો હતો- પ્રાશું
ત્રણેયના બ્લ્ડ સેમ્પલને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યા હતા. બ્લડ સેમ્પલમાં ત્રણેય મિત્રોએ ગાંજાનું સેવન કર્યાનું સામે આવ્યું છે. પ્રાશુંએ જણાવ્યું કે ગાંજો પીતા સમયે રક્ષિતે આઈ લાઈક નિકિતા બોલ્યો હતો. તે નિકિતા નામની યુવતીને એક તરફી પ્રેમ કરે છે, તેની પાછળ તે પાગલ છે.
સુરેશ ભરવાડ પણ ઝડપાયો
રક્ષિત કેસમાં આરોપીનો મિત્ર સુરેશ ભરવાડ છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. આખરે તેપણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા પાલસનેર ગામ નજીકથી ઝડપી પાડ્યો હતો.
શું હતો સમગ્ર મામલો
દેશભરમાં જ્યારે લોકો હોળીના પર્વની ઉજવણી કરી રહ્યા હતાં, ત્યારે વડોદરામાં એક નબીરા રક્ષિત ચોરસિયાએ નશાની હાલતમાં આઠ લોકોને અડફેટે લેતા રાજ્યભરમાં ચકચારી મચી ગઈ હતી. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો. જેમાં યુવક અકસ્માત બાદ બહાર આવીને ઓમ નમઃ શિવાય અને અનધર રાઉન્ડ તેમજ એક મહિલાના નામની બૂમો પાડતો હતો. ત્યારે અનેક લોકોમાં 'અનધર રાઉન્ડ' શબ્દને લઈને ચર્ચા થઈ રહી હતી કે, અકસ્માત બાદ આવી બૂમો કેમ પાડતો હતો? ત્યારે હવે આ વાતનો ખુલાસો થયો છે.
કારે ત્રણ સ્કૂટરને અડફેટમાં લેતાં આઠ જણા ફંગોળાયા
આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે હોળીની રાતે ફૂલ સ્પિડે ધસી આવેલી કારે ત્રણ સ્કૂટરને અડફેટમાં લેતાં આઠ જણા ફંગોળાયા હતા. આ ઘટનામાં હેમાલી પટેલ નામની મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને અંજામ આપતી વખતે રક્ષિત બેફામ રીતે કાર હંકાવી રહ્યો હતો. ઘટના સર્જ્યા બાદ રસ્તા પર બૂમો પાડી રહ્યો હતો.