
આજ રોજ ચૈત સુદ નવમીના પવિત્ર દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં શ્રી રામ નવમીનો પવિત્ર તહેવાર આનંદ અને ઉત્સવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. દેશભરમાં ઠેર ઠેર રામજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, મંદિરોમાં રામધુન ભજવામાં આવી હતી. એવામાં સમગ્ર ગુજરાતમાં પણ રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઠેક ઠેકાણે ભજન, રામધુન તથા કાનગોપીના કાર્યક્રમ યોજાયા હતા તો અનેક સ્થળો પર વિવિધ જાતની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
રાજકોટમાં રામનવમીની શોભાયાત્રાનું મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત
રાજકોટમાં રામનવમીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીની ઉજવણી કરવા રાજકોટમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાનું મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં સદર બજાર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગર કરવામાં આવ્યું હતું. ફુલહાર પહેરાવી મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રામનવમીના પવિત્ર તહેવારને પગલે રાજકોટમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે એકતા અને ભાઈચારો જોવા મળ્યો હતો. દર વર્ષે મુસ્લિમ બિરાદરો રામ લાલાની શોભા યાત્રાનું સ્વાગત કરે છે.
ડાકોરમાં સુવર્ણ અલંકારોથી સજ્જ આજે રણછોડજીએ રામનો વેશ ધારણ કર્યો
ડાકોરમાં સુવર્ણ અલંકારો તેમજ સુવર્ણ આયુધોથી સજ્જ આજે રણછોડજીએ રામનો વેશ ધારણ કર્યો છે. સાથે સોનાના સંખ,ચક્ર, પદમ, ધનુષ અને બાણ ધારણ કર્યા છે. ડાકોર તેમજ સમગ્ર ખેડા જિલ્લો રામમય બની ગામે ગામ તેમની જય શ્રી રામના જયઘોષ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં અનેક કરતબો સાથે રામ સેવકો ભક્તિમાં તરબોળ બન્યા હતા.
વિશેષ રીતે કૃષ્ણ જન્મ રાત્રીના બાર વાગે થાય છે અને તેમને પ્રસાદરુપે માખાણ મિશ્રી ધરાવાય છે, જ્યારે રામચંદ્રજીનો જન્મ બપોરે બાર વાગે ઉજવાય છે. સવિશેષ ભગવાનને ધાણા, જીરું, ચોખા, ઘી તેમજ મરિયાથી મિશ્રિત પ્રસાદીનો ભોગ(પંજા જીરી)ધરાવાય છે. મર્યાદા પુરુષોત્તમ રામ એ વિશ્વમાં સંસ્કૃતિનું મોટું પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે.
બોટાદમાં ભગવાન શ્રીરામની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા
બોટાદ જિલ્લાના મસ્તરામ મંદિરથી આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને વિવિધ રાજમાર્ગો પર ફેરવવામાં આવી હતી. ભગવાન શ્રીરામના અનેકવિધ પ્રતિકોને વાહનોમાં સુશોભિત કરી શોભાયાત્રા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિવિધ હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત સંતો મહંતો અને સામાજિક આગેવાનો જોડાયા હતા. અનેક વિસ્તારોમાં શોભાયાત્રાનું સ્વાગત અને આરતી કરી ભગવાન રામચંદ્રજીના દર્શનનો લાભ લીધો હતો.
રામનવમી પર ગીર સોમનાથમાં પોલીસ, નેતા, આગેવાનો સાથે ભક્તિનો સંગમ
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના કૃષ્ણનગરમાં આવેલા સીતારામ મંદિરમાં જિલ્લાના એસપી અને રાજકીય આગેવાન સહીત મહાઆરતી ઉતારવામાં આવી હતી અને શ્રી રામ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામ મંદિરમાં ભગવાન રામચંદ્રની મહાઆરતી કરવામાં આવી હતી.આ શુભ અવસર પર ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિકારીઓ, રાજકીય નેતાઓ, અલગ અલગ સમાજના તમામ આગેવાનઓ તથા બહોળી સંખ્યામાં સીતારામ ધૂન મંડળના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ મહાઆરતી અને રામ જન્મ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. બપોરબાદ શહેરના મુખ્ય માર્ગ પરથી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવશે.
દ્વારકાના અખંડ રામધૂન મંદિર જ્યાં છેલ્લા ૫૭ વર્ષથી અવિરત રામધુન
આજ રોજ ચૈત સુદ નવમીના પવિત્ર દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં શ્રી રામ નવમીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે દ્વારકા ખાતે આવેલું અખંડ રામધૂન મંદિર જ્યાં છેલ્લા ૫૭ વર્ષથી અવિરત રામધુન ચાલી રહી છે અનેક વાર વરસાદ, વાવાઝોડા, ધરતીકંપ, અને કોરોના જેવા અનેક પડકારો આવ્યા છતાંય રામધુન બંધ થઈ નથી. અખંડ રામધૂન મંદિરમાં દાન પેટી પણ મૂકવામાં આવી નથી તેમજ મંદિરમાં મૂર્તિ પણ રાખવામાં આવેલ નથી કારણ કે, ગુરુ શ્રી પ્રેમ ભિક્ષુકજી મહારાજનું માનવું હતું કે મૂર્તિ મૂકવા પછી તેની ગરિમા જાળવી રાખવા અઘરું હોય છે માટે માત્ર છાયા ચિત્રો દોરી પૂજા કરવામાં આવે છે.