
અમદાવાદ: દુષ્કર્મ કેસમાં તપાસ અધિકારીની બેદરકારીનો ગંભીર ઘટના સામે આવી છે. પોક્સો કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપીની 20 વર્ષની સજા સ્થગિત કરી જામીન આપ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ગુજરાત હાઈકોર્ટે એક સુનાવણી કરી હતી જેમાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને નીચલી કોર્ટે 20 વર્ષની સજા સંભળાવી હતી. આરોપીની જામીન અરજી પરની સુનાવણી દરમિયાન તથ્યો અને દસ્તાવેજી પુરાવાઓને આધારે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. દુષ્કર્મ બાદ પીડિત સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. આરોપી અને બાળકના DNA મેચ ન થયાના પુરાવા આરોપીના વકીલે હાઈકોર્ટે સમક્ષ રજૂ કર્યા હતા. કેસમાં બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી માટે પણ ટ્રાયલ કોર્ટે આદેશ કર્યો છે. દુષ્કર્મની ફરિયાદમાં 3 આરોપી હોવા છતાં પોલીસે માત્ર એક જ આરોપી સામે જ ફરિયાદ નોંધી અને 2 આરોપીઓ સામે ફરિયાદ ન નોધી હોવાની આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી.