
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે મુલતવી રાખેલ IPL આજે એટલે કે 17 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ સાથે ફરી શરૂ થશે, જેમાં બધાની નજર તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા વિરાટ કોહલી પર રહેશે. દસ દિવસના અણધાર્યા વિરામ પછી, RCB અને KKR બંને પ્લેઓફમાં પહોંચવા માટે પ્રયાસ કરશે.
RCB 11 મેચોમાં 16 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલ પર બીજા ક્રમે છે અને આજે જીત મેળવીને ટીમ પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દેશે. જ્યારે KKR 12 મેચોમાં 11 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને એક પણ હાર ડિફેન્ડિંગ ચેમ્પિયનની નોકઆઉટમાં પ્રવેશવાની આશા પર પાણી ફેરવી દેશે. લીગ બંધ થાય તે પહેલાં બંને ટીમો શાનદાર ફોર્મમાં હતી. જ્યારે RCB એ તેની અગાઉની ચારેય મેચ જીતી હતી, ત્યારે KKRની ટીમ છેલ્લી 3 મેચમાંથી 2 જીતી હતી. આવી સ્થિતિમાં, આ ટીમો પોતાની લય કેવી રીતે જાળવી રાખે છે તે જોવું રસપ્રદ રહેશે. જો આપણે કાગળ પર બંને ટીમોની સરખામણી કરીએ તો તેમાં કોઈ શંકા નથી કે RCBની ટીમનો હાથ ઉપર છે.
CSK સામે ઈજાગ્રસ્ત થયેલા કેપ્ટન રજત પાટીદારે પ્રેક્ટિસ સેશનમાં કોઈ મુશ્કેલી વિના બેટિંગ કરી. પાટીદારને આંગળીમાં ઈજા થઈ હતી પરંતુ તેણે નેટ સેશનમાં સારી બેટિંગ કરી. ભારત-પાકિસ્તાન તણાવ બાદ યજમાન ટીમના મોટાભાગના વિદેશી ખેલાડીઓ પણ સ્વદેશ પરત ફર્યા છે. ફિલ સોલ્ટ, લુંગી ન્ગીડી, ટિમ ડેવિડ, લિયામ લિવિંગસ્ટોન અને રોમારિયો શેફર્ડ જેવા ખેલાડીઓ ટીમ માટે ઉપલબ્ધ છે. જોકે, ઈજાને કારણે દેવદત્ત પડિક્કલ અને ફાસ્ટ બોલર જોશ હેઝલવુડની ગેરહાજરી મોટી સમસ્યા બની શકે છે. RCBને અપેક્ષા રહેશે કે પડિક્કલની જગ્યાએ આવેલો મયંક અગ્રવાલ આ તકનો લાભ લેશે. હેઝલવુડ ખભાની ઈજાથી પીડાઈ રહ્યો છે અને ફ્રેન્ચાઈઝીએ હજુ સુધી તેની ઉપલબ્ધતા અંગે કોઈ માહિતી નથી આપી.
બધાની નજર કોહલી પર રહેશે
મેચમાં બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. સ્ટેડિયમમાં પણ, દર્શકો તેના નામ નારા લગાવતા જોવા મળશે. આ દિગ્ગજ બેટ્સમેને આ અઠવાડિયાની શરૂઆતમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો આપણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ પર નજર કરીએ તો, રમતના પરંપરાગત ફોર્મેટને સૌથી વધુ મહત્ત્વ આપનારા આ બેટ્સમેનનું સન્માન કરવા માટે ફેન્સ વ્હાઈટ જર્સી પહેરવાનો પ્લાન બનાવી રહ્યા છે. કોહલી શાનદાર ફોર્મમાં છે, ત્યારે તે તેની ટેસ્ટ કારકિર્દીના અચાનક અંત પછી બેટથી કેટલીક પ્રભાવશાળી ઈનિંગ્સ રમવા માંગશે.
KKRના બેટ્સમેનોએ નિરાશ કર્યા
વર્તમાન સિઝનમાં KKRને તેના બેટ્સમેનોએ સૌથી વધુ નિરાશ કર્યા છે. કેપ્ટન અજિંક્ય રહાણે અને યુવા ખેલાડી અંગક્રિશ રઘુવંશી સિવાય, અન્ય કોઈ બેટ્સમેનો સતત સારું પ્રદર્શન નથી કરી શક્યા. લીગ સ્ટેજની બધી મેચ ટીમ માટે કરો યા મરો મેચછે, તેથી ટીમને વેંકટેશ અય્યર, આન્દ્રે રસેલ અને રિંકુ સિંહ પાસેથી અસરકારક ઈનિંગ્સની આશા રહેશે. ટીમને ઈંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર મોઈન અલીની ખોટ સાલશે. મોઈન વાયરલ ફીવરને કારણે લીગમાંથી બહાર છે. KKRની વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, વૈભવ અરોરા અને હર્ષિત રાણાની બોલિંગ લાઈન-અપ ક્યારેક ખર્ચાળ સાબિત થવા છતાં સારું પ્રદર્શન કર્યું છે.
IPL 2025 માટે બંને ટીમોની સ્કવોડ
RCB: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), મયંક અગ્રવાલ, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, યશ દયાલ, રસિક ડાર સલામ, મનોજ ભંડાગે, જેકબ બેથેલ, સ્વપ્નીલ સિંહ, લિયામ લિવિંગસ્ટોન, નુવાન તુશારા, લુંગી એનગીડી, મોહિત રાઠી, સ્વસ્તિક ચિકારા, અભિનંદન સિંહ.
KKR: અજિંક્ય રહાણે (કેપ્ટન), મનીષ પાંડે, અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, લવનીથ સિસોદિયા, ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લા ગુરબાઝ, સુનિલ નારાયણ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, વેંકટેશ અય્યર, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, વૈભવ અરોરા, મયંક માર્કંડે, ઉમરાન મલિક, એનરિક નોર્કિયા, સ્પેન્સર જોન્સન.