
- રિલેશનના રિ-લેશન
- સ્થિતિ એવી છે કે, આપણે ધારી લઈએ છીએ અને તેના આધારે સામેની વ્યક્તિ વિશે રિએક્ટ કરવા લાગીએ છીએ. સામેની વ્યક્તિનો હેતુ શું છે, તે કયા કારણે અથવા તો કયા સંજોગોમાં કંઈક કરે છે તે આપણે જોતા કે જાણતા જ નથી બસ તેના વિશે રિએક્ટ કરવા લાગ્યે છીએ. સામેની વ્યક્તિ કહેવા કંઈક માગતી હોય અને આપણે સમજતા કંઈક હોઈએ છીએ.
આજના સમયમાં આપણે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા થઈ ગયા છીએ. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, સ્નેપચેટ અને બીજા ઘણા માધ્યમો છે જેના ઉપર સતત તસવીરો,રિલ્સ,વીડિયો અને બીજી ઘણી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. આપણને મળેલી સફળતા હોય કે આપણી સાથે બનેલી કોઈ ઘટના હોય કે પછી આપણને થયેલી પીડા હોય હવે બધું જ સોશિયલ મીડિયામાં ઠલવાય છે. તેમાંય હવે એકબીજાને બતાવી દેવાની, એકબીજાને કહી સંભળાવવાની અને એકબીજાને ટોણા મારવાની પ્રથા પણ ઓનલાઈન થઈ ગઈ છે. લોકો જાતભાતના સ્ટેટસ મૂકીને, ક્વોટ ધરાવતી તસવીરો મૂકીને કે નાનકડી રિલ્સ અને વીડિયો મૂકીને બીજાને ટોણા મારે છે. તેમાંય હવે તો ટ્રોલ કરવાની એક અનોખી પરંપરાનો પણ આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. કોઈને પણ કંઈપણ કહેવું હોય તો સોશિયલ મીડિયા છે, તેના ઉપર નામ વગર ગમે તે લખી નાખીએ છીએ. જેને કહેવું છે તેણે ખરેખર વાંચ્યું છે કે નહીં અથવા તો તેને અસર થઈ છે કે નહીં તે જાણવાની તસદી પણ લેતા નથી. તેમાંય મજાની વાત એવી છે કે, આવી બાબતોમાં કૂદી પડનારો એક આખો વર્ગ છે.
બેરોજગારી,નિરાશા,વર્ચ્યુઅલ વ્યાભીચાર,ડિજિટલ સ્ટોકિંગ કરનારી આ નવી વેજા કોઈપણ મુદ્દે કોઈની પણ પોસ્ટમાં લડી લેવા,સલાહ આપવા કે પછી બચાવ અને આરોપ મુકવામાં એક-એક પક્ષે વહેંચાઈ જવા સજ્જ હોય છે. તેમાંય કોઈ જાણીતી વ્યક્તિએ મુકેલી પોસ્ટ હોય તો તો તેમાં કોમેન્ટ કરવા અને લડી લેવા પરોપજીવીઓનો એવો રાફડો ફાટે છે કે ડાવનને સમજાય નહીં કે આ ખરેખર કુદરતી રીતે જન્મેલું છે કે કોઈના વિચાર વિર્યથી સરોગેટ થયેલું સોશિયલ મીડિયાની દિવાલે ઢસડાતું મગતરું છે. ઘણી એવી સેડિસ્ટ અને જન્મજાત દલપતરામના વર્ણવેલા ઉંટ જેવી વેજા પણ હોય છે જેમને કોઈપણ વ્યક્તિની કોઈપણ વાતમાં કશું ગમતું જ નથી, તે વાંક કાઢયા વગર, કોમેન્ટ કર્યા વગર કે પછી રિએક્ટ કર્યા વગર રહી શકતી જ નથી.
ફેસબુક યુઝર્સને યાદ હોય તો ઘણા વર્ષો પહેલાં લગભગ પાંચેક વર્ષ પહેલાં જ્યારે એકાએક સ્યુસાઈડના કેસ વધી ગયા હતા અને લોકો ફેસબુક લાઈવ કરીને સ્યુસાઈડ કરવા લાગ્યા હતા ત્યારે ફેસબુકે એક કેમ્પેન ચલાવ્યું હતું. સોશિયલ અવેરનેસ માટેનું કેમ્પેન હતું કે, દિલ ખોલીને તો જૂઓ, જગતના તમામ દરવાજા તમારા માટે ખુલી જશે. પ્રયાસ ખૂબ જ ઉત્તમ હતો પણ દિલ ખોલવાનો પ્રવાસ બહુ અઘરો છે. વ્યક્તિ જ્યારે પોતાની જાતને રજૂ કરે છે, કોઈ વાત મુકે છે અથવા તો ઘટના વ્યક્ત કરે છે ત્યારે તેની સૌથી મોટી આશા હોય છે કે, સામેની વ્યક્તિ તેને સમજશે અને પોતાની જગ્યાએ તેને મૂકીને પછી આ બધાનું મુલ્યાંકન કરશે અને રિએક્ટ કરશે. હકિકતે સોશિયલ મીડિયા ઉપર મુકાતી દરેક બાબત સાચી જ છે કે તેના ઉપર રિએક્ટ કરવું જ પડે તે જરૂરી નથી. જરૂરી એ છે કે, કોઈપણ ઘટના વિશે આપણે કેટલું સમજીએ છીએ, કેટલું પોતાની જાતને એ સ્થિતિમાં મૂકીને વિચારીએ છીએ અને પછી વ્યક્ત થઈએ છીએ.
તેનું એક સરસ ઉદાહરણ આપું તો થોડા સમય પહેલાં એરફોર્સમાં જવાનોની ભરતી થઈ હતી. હજી તો માત્ર પ્રવેશ પ્રક્રિયા અને ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ અને ઓરલ ટેસ્ટ લેવાયા હતા. તેમાં એક અધિકારી દ્વારા લગભગ ૫૦ જેટલા અરજદારોને એરફોર્સની બિલ્ડિંગમાં ટેરેસ ઉપર બોલાવવામાં આવ્યા. બધા જ અરજદારો ત્યાં ભેગા થયા. ત્યાં ટેરેસની પાળી પાસે એક ટેબલ ગોઠવવામાં આવ્યું અને અધિકારી ટેબલ પાસે ઊભા રહ્યા. એક પછી એક અરજદારને બોલાવાયા અને ટેબલ ઉપર ચડાવીને આદેશ અપાયો કે, કૂદો... અરજદાર કૂદી શક્યા નહીં. કોઈ કહેતું કે, સર નીચે તો પાણી છે, કોઈ કહેતું કે, આટલે ઉંચેથી કૂદી શકાય જ નહીં, પેરાશૂટ વગર કેવી રીતે નીચે જવાય, હજી તો ટ્રેનિંગ નથી થઈ અમારી તો કેવી રીતે આવડે... બધાએ જાતભાતના જવાબો આપ્યા. એક છોકરો ટેબલ ઉપર ચડયો અને ત્યાં જ ઊભો ઊભો પોતાની જગ્યાએ કૂદ્યો. અધિકારી ખુશ થઈ ગયા, માત્ર તે છોકરાની આગળના સ્ટેજ માટે પસંદગી કરવામાં આવી.
તેવા જ એક સોશિયલ મીડિયા અખતરાની વાત કરું તો, મેં એક વખત ફેસબુક અને વોટ્સએપ સ્ટેટસમાં પોસ્ટ મુકી હતી કે, સારો ડાયવોર્સ લોયર સંપર્કમાં હોય તો જણાવજો. આ પોસ્ટ ખૂબ જ સારી, સરળ અને ગુજરાતીમાં સમજાઈ જાય તેવી હતી. મજા ત્યારે આવી જ્યારે પોસ્ટ ઉપર રિએક્શનનો મારો શરૂ થયો. મારા મિત્રો, સ્વજનો, વાચકો, ચાહકો, હિતેચ્છુઓ અને બીજા ઘણા લોકો દ્વારા જે અદ્વિતિય પ્રતિક્રિયાઓ આપવામાં આવી તે આજે પણ ભુલાય તેવી નથી. મને ત્યારે તો ખબર પડી કે, મારા ફેસબુક ફ્રેન્ડ્સમાંથી લગભગ ૧૦૦ જેટલા તો વકીલ મિત્રો છે. પોસ્ટ નીચે કોમેન્ટમાં, મેસેન્જરમાં, વોટ્સએપ મેસેજમાં વકીલોના રેફરન્સ, નંબરો, ઓળખાણો બધું આવવા લાગ્યું. તમે ચિંતા ના કરશો અમે ઝડપથી છુંટુ કરાવી આપીશું, અમારી પાસે ઘણો અનુભવ છે. મને નવાઈ તો ત્યાં લાગી કે મારા કેટલાક ગ્રેજ્યુએશનના બેચમેટ્સ અને મિત્રો જે વકીલ થયા તેમણે સ્થિતિ વિશે પૃચ્છા કરવાના બદલે મને મેસેજ કરી દીધા કે ચિંતા ના કરતો અમે તારો કેસ લડીશું. તારે ફી આપવાની પણ જરૂર નથી.
બે ત્રણ મહિલા વકીલોના પણ મેસેજ આવ્યા હતા કે, અમે ડાયવોર્સ અપાવવામાં લાંબો અનુભવ ધરાવીએ છીએ. સમાજમાં એવી સ્ત્રીઓ હોય છે જે પુરુષનું જીવન ખરાબ કરી નાખે છે, આવી સ્ત્રીઓને છોડી જ દેવી જોઈએ. આ એક મહિલા વકીલનો અન્ય મહિલા માટેનો વિચાર હતો જે પણ મારી ફેસબુક પોસ્ટની કોમેન્ટમાં વ્યક્ત થયો. એક તો જાતે બે વખત છૂટાછેડા લઈ ચુકેલા મહિલા વકીલે મને ફોન કર્યો કે ભાઈ ચિંતા ના કરતા આવા કેસ તો હું ચપટી વગાડતામાં પતાવી દઉં છું. મને ફલાણી વ્યક્તિએ તમારો નંબર આપ્યો છે, બે દિવસ પછી મને આ કોર્ટમાં મળજો બાકીનું હું કરી લઈશ. તમારે એક વર્ષનું સેપરેશન બતાવવું પડશે અને બાકીનું બધું અમારા ઉપર છોડી દેજો.
મને એ વાતનો આનંદ થયો કે, લોકોને મારા માટે લાગણી તો ભરપૂર છે બાકી આ જમાનામાં મદદ કરવા માટે આટલી મોટી સંખ્યામાં લોકો શા માટે પ્રવૃત્ત થાય. એક વ્યક્તિને છૂટાછેડા લેવા છે અને વકીલો અને વકીલ મિત્રો ધરાવતા લોકો એક્ટિવ થઈને મદદ માટે આગળ આવે તે આનંદની જ વાત છે. દુ:ખ એક વાતનું છે કે, મને મેસેજ કરનારા, મારી પોસ્ટમાં કોમેન્ટ કરનારા કે પછી ફોન કરનારા એકપણ વ્યક્તિને એવો વિચાર જ ન આવ્યો કે પહેલાં આને સવાલ કરું કે ભાઈ તારે છૂટાછેડા લેવા છે. મારું સ્ટેટમેન્ટ હતું કે, સારો ડાયવોર્સ લોયર સંપર્કમાં હોય તો જણાવજો.
મેં ક્યાંય એવું કહ્યું નહોતું કે, મારે છૂટાછેડા લેવા છે, મારે તકલીફ છે, મારે પત્નીથી અલગ થવું છે. મારા હિતેચ્છુઓ એટલા ઉત્સાહિત હતા કે, મદદ કરવામાં એટલા આંધળુકિયા કરવા લાગ્યા કે તેમને પુછવાનું પણ ભાન ન રહ્યું કે, તારે છુટાછેડા લેવા છે. તારે કેમ છુટાછેડા લેવા છે. આટલું બધું ઝડપથી રિએક્ટ કરવાનો કોઈ અર્થ જ બનતો નથી. ન્યૂટન પણ બિચારો એક્શન અને રિએક્શનના નિયમો સમજાવીને થાકી ગયો. આપણે તે ક્યારેય સમજ્યા જ નહીં. આપણે બસ રિએક્ટકરી દેવાનું.
સ્થિતિ એવી છે કે, આપણે ધારી લઈએ છીએ અને તેના આધારે સામેની વ્યક્તિ વિશે રિએક્ટ કરવા લાગીએ છીએ. સામેની વ્યક્તિનો હેતુ શું છે, તે કયા કારણે અથવા તો કયા સંજોગોમાં કંઈક કરે છે તે આપણે જોતા કે જાણતા જ નથી બસ તેના વિશે રિએક્ટ કરવા લાગીએ છીએ. સામેની વ્યક્તિ કહેવા કંઈક માગતી હોય અને આપણે સમજતા કંઈક હોઈએ છીએ. આપણે જે ધારણાઓમાં રાચીને રિએક્શન આપીએ છીએ, ટ્રોલિંગ કરીએ છીએ, વાતો ઉડાડીએ છીએ તે ખરેખર એક વખત વિચાર કરવા જેવી હોય છે.
આપણી ધારી લેવાની અને ઝડપથી વગર વિચારે રિએક્ટ કરવાની પ્રક્રિયા સામેની વ્યક્તિના શાંત સરોવર જેવા મન અને પરિસ્થિતિમાં વિવાદના વમળો સર્જવા લાગે છે. આ વમળોમાં સંબંધો ફસાવા લાગે છે. વ્યક્તિ જ્યારે કંઈક લખતી હોય, બોલતી હોય, વ્યક્ત કરતી હોય ત્યારે તેના શબ્દો શાંતિ સાંભળવા, વાંચવા, સમજવા, તેનો ભાવ સમજવો, તેની સ્થિતિ સમજવી અને ત્યારબાદ રિએક્ટ કરવું જોઈએ. આપણે કોઈપણ બાબતે ધારી લઈએ તેના કરતા પુછી લઈએ તો વધારે સારી રીતે રિએક્ટ કરી શકીએ છીએ. ઘણી વખત કોઈપણ મુદ્દે આપણી લાગણી કરતા આપણી સમજની વધારે જરૂર હોય છે અને તે સમજ પૂછવાથી કે પછી વિચારવાથી આવે છે, તરત વ્યક્ત થઈ જવાથી તો મોટાભાગે વિવાદ અથવા વિખવાદ જ ઊભા થાય છે. ઘણી વખત આપણું ક્વિક રિએક્શન સામેની વ્યક્તિના એક્શનને સાવ બગાડી કાઢે તેવું પણ બને છે.
- રવિ ઇલા ભટ્ટ