
ભારત-પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરત શહેર કેટેગરી-1માં આવે છે. સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઈમરજન્સી માટેની તૈયારીઓ પણ પૂરી કરવામાં આવી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોમાં દવાઓના સ્ટોક, ડોકટરોની ટીમ, લાઈટ કટ થાય તો જનરેટરની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. બીજી તરફ દરિયા કાંઠે સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર કચેરીએ સેનાની ત્રણેય પાંખો સાથે સંપર્ક કરી શકાય તે માટે વોરરૂમ શરૂ કરવામાં આવ્યો છે.
દરિયા કાંઠે પેટ્રોલિંગ
ભારત પાક વચ્ચે તણાવભરી સ્થિતિના પગલે ગુજરાતના જિલ્લાઓ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. સુરતના દરિયાઈ વિસ્તારમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સુંવાલી બીચ પર પોલીસનું સઘન પેટ્રોલિંગમાં પીઆઇ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ ગતિવિધિઓ પર પોલીસની ચાંપતી નજર છે. પોલીસ દ્વારા નાનામાં નાની ગતિવિધિઓ પર નજર રખાઈ રહી છે.
વોર રૂમ શરૂ
ભારત પાકિસ્તાન વચ્ચે તળાવ ભરી પરિસ્થિતિ વચ્ચે સુરત એલર્ટ પર છે. સુરત કલેકટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ભૂમિદળ, નૌકાદળ અને એરફોર્સ સાથે આ વોર રૂમ સંપર્ક રાખશે. સુરત શહેર પોલીસ કમિશનર પણ વોર રૂમ સાથે સીધા સંપર્કમાં રહેશે. આ વોરરૂમથી સીધો સંપર્ક કેન્દ્ર સરકાર સાથે કરી શકાશે. કેન્દ્ર સરકારની સૂચના અનુસાર શરૂ કરવામાં આવ્યો વોરરૂમ
દવાનો સ્ટોક
આ અંગે નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઑફિસર ડો. ભરત ચાવડાએ કહ્યું હતુ કે ૩ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દેવાયો છે. તે ઉપરાંત પાટા પટ્ટી કોટન સહિત સર્જરી માટે જરૂરૂ પડેતેવી ચીજવસ્તુઓ પણ સ્ટોક કરી દેવાયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં જો વીજળી જાય તો પણ લોકોને સારવાર મળી શકે તે માટે જનરેટર તેમજ ડિઝલની વ્યવસ્થા કરી દેવાઈ છે.