
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની સ્થિતિના પગલે સુરતમાં દેશભક્તિના ભાવથી ભરાયેલા હિંદુ સંગઠનોએ મહત્વપૂર્ણ પગલું લીધું છે. સુશીલા ટ્રસ્ટના યુવાનો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ હાજર રહીને આવેદનપત્ર આપીને દેશ માટે સેવા બજાવવાની પરવાનગી માગવામાં આવી છે.
જરૂર હોય ત્યાં આપશે સેવા
સ્વયંસેવકોના પ્રતિનિધિમંડળે કલેક્ટરને જણાવ્યું કે જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાય, તો તેઓ દેશ માટે કોઈપણ સ્થળે જઈને સેવા આપવા તૈયાર છે. સુશીલા ટ્રસ્ટના યૂવાનો અને હોદ્દેદારોએ સ્પષ્ટ રીતે કહ્યું કે તેમની ટીમમાં અત્યારસુધીમાં ૨૦૦ જેટલા સ્વયંસેવકો તૈયાર છે, જે તાત્કાલિક દેશમાં આવશ્યક હોય તે સ્થળે સેવા આપવા સજ્જ છે.
આફતમાં નૈતિક જવાબદારી
આ અવસરે હિંદુ સંગઠનના પ્રતિનિધિઓએ કહ્યું કે, “અમે યુદ્ધના સમર્થનમાં નથી, પરંતુ જો દેશ પર આફત આવે, તો સમાજ અને દેશ માટે પોતાની ફરજ નિભાવવી અમારી નૈતિક જવાબદારી છે.” તેમણે ઉમેર્યું કે આ સેવા આરોગ્ય, રાહત કામ, ખાદ્ય વિતરણ, રાહત શિબિરોમાં સહાય વગેરે ક્ષેત્રે પણ હોઈ શકે છે.આ ઘટનાથી સુરતના યુવાઓમાં દેશસેવા પ્રત્યે ઊંડો ઉત્સાહ જોવા મળ્યો છે. કલેક્ટર કચેરીએ આપી લેવાયેલ આવેદનપત્રના આધારે જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરાઈ છે.