થરાદ પોલીસ મથકના બે કોન્સ્ટેબલ અને એક ટીઆરબી જવાનને ફરજ દરમિયાન ફિલ્મી સ્ટાઈલમાં રિલ્સ બનાવવી ભારે પડી છે. ચાલુ ફરજ દરમિયાન કરવામાં આવેલી હરકત બાદ જિલ્લા પોલીસ વડાએ આકરી કાર્યવાહી કરી છે. થરાદ પોલીસ મથકની બહાર ફરજ દરમિયાન બે કોન્સ્ટેબલ અને એક ટીઆરબી જવાન દ્વારા ફિલ્મી સ્ટાઇલમાં બનાવવામાં આવેલી રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
પોલીસ જવાનની રિલ્સ વાયરલ થવા મામલે જિલ્લા પોલીસ વડાએ આકરી કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રીલમાં દેખાતા ટીઆરબી જવાન દિલીપ દરજીને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રીલમાં સામેલ બે કોન્સ્ટેબલ ભરત મોદીની હડાદ અને હીરા ભદરુની સુઈગામ ખાતે બદલી કરવામાં આવી છે. આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો, કારણ કે જે પોલીસ લોકોને રીલ બનાવવાથી રોકે છે, તે જ પોલીસકર્મીઓ યુનિફોર્મમાં રીલ બનાવતા જોવા મળ્યા હતા.