
ભારત વર્ષનો પ્રથમ પ્રેમ ભક્તિ પત્ર કે જે ગુજરાતમાં માધવપુર ઘેડના મેળાના ઇતિહાસનો નિમિત છે. ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશમાંથી રાજકુમારી રૂકમણી પશ્ચિમ કાંઠે દ્વારકાના શ્રીકૃષ્ણને પત્ર લખે છે. પુરાણો કથાઓમાં રહેલો આ પત્ર માધવપુર મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસ્તુત થાય છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં કીર્તનમાં રૂકમણી પત્ર લખે દ્વારકા રે ..હું નહિ રે પરણું શિશુપાલને રે..ગીત ગવાય છે.
પોરબંદર સ્થિત ઈતિહાસવિદ નરોતમ પલાણ કહે છે કે પૌરાણિક ઇતિહાસ અને કથાઓ મુજબ, 32 વર્ષની ઉંમરે ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે દ્વારકા સ્થિત હતા, તે સમય દરમિયાન વિદર્ભની રાજ કુમારી ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમપત્ર લખે છે. આ પ્રેમ પત્રમાં તેમની અસહમતિથી તેમના ભાઈ રૂકમીએ શીશુપાલ નામના રાજકુમાર સાથે તેમના લગ્ન નક્કી કરી લીધા હોવાનો ઉલ્લેખ કરે છે.
વિદર્ભમાં તેમના રીતિ રિવાજ મુજબ કુવારી કન્યા લગ્નના ફેરા ફરતા પહેલા તેમના ગામમાં વગડામાં આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જાય છે. ત્યારે તેમનું ત્યાંથી હરણ કરવા ભગવાનને ચોખ્ખું નિમંત્રણ આપે છે.
ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રેમપત્ર વાંચ્યા બાદ તેમના સારથી દારૂકને તૈયાર કરે છે. ઘોડાઓ સાથેના રથમાં બિરાજમાન થઈ પહોંચે છે. વિદર્ભની રાજ કુમારીએ જણાવેલ ચોક્કસ સ્થળેથી ભગવાન ત્યાં આવી પહોંચતા તેમની સાથે રથમાં બેસી દ્વારકા આવવા દોટ મૂકે છે.
કથાઓની માન્યતા મુજબ રૂક્ષ્મણી પોતે રાજકુવરી હોવાથી અને બાણવિદ્યા તથા ઘોડેશ્વવારી જાણતા હોવાથી પોતે જ પવનગતિએ દ્વારકા તરફ તેમનો રથ ચલાવે છે. શ્રી કૃષ્ણની પાછળ વિદર્ભમાં ભગવાન કૃષ્ણના ભાઈ બલરામ પણ તેમની સેના સાથે જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીના ભાઈ રૂક્મીને હરાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સવાર પડતા માધવપુર ઘેડમાં તેઓ ઉતરે છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ - રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ યોજાય છે.