
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
શનિ વિશે સોશિયલ મીડિયામાં ‘આધી હકીકત આધા ફસાના’ પ્રકારની વાતો ખૂબ વહે છે. ‘મેષવાળાની સાડા સાતી શરૂ થઈ એટલે તેઓ રડે છે’ અને ‘મકરવાળાની પૂરી થઈ એટલે તેઓ ચીલ કરે છે’ આ ટાઈપના મીમ્સ ફરી રહ્યા છે. હકીકત એ છે કે લોકોના મનમાં શનિ વિશે ઘણા મિસકન્સેપ્શન પ્રવર્તે છે. ચાલો આજે તે મિથ્સને બ્રેક કરવાનો પ્રયત્ન કરીએ અને સાચું શું છે તે જાણવાની કોશિશ કરીએ.
1) શનિની સાડા સાતી કે ઢૈયા દરમિયાન તમારી સાથે ખરાબ ઘટનાઓ જ ઘટશે એવો વહેમ કાઢી નાખો. એવું બિલકુલ જરૂરી નથી. ભારતના જેટલા વડા પ્રધાન બન્યા તેઓ તેમની સાડા સાતી દરમિયાન જ બન્યા છે. નહેરુથી લઈને મોદી સુધી. આથી પનોતી દરમિયાન ખરાબ જ થાય એવું નથી. હકીકત એ છે કે પનોતીનો ટાઈમ થોડો વધારે ઇવેન્ટફૂલ બની રહેશે. એ દરમિયાન તમારી અણધારી પ્રગતિ પણ થઈ શકે છે. આથી પોઝિટીવ રહો. હોપ રાખો. અને શ્રેષ્ઠ સંભાવનાઓ પર કામ કરો.
2) શનિ સાડા સાતી કે ઢૈયામાં જ અસર કરતો હોય છે તે પણ એક મિથ છે. શનિ કોઈ પણ સમયે અસર કરે છે. શનિ તેની દશાઓ દરમિયાન પણ અસર કરી શકે છે. શનિ સાડા સાતી ન હોય કે ઢૈયા ન હોય તેમને પણ કોઈને કોઈ રીતે અસર કરી શકે છે અને કરતો જ હોય છે. આથી સારું કે ખરાબ થવાનું હોય તો જેમની સાડા-સાતી કે ઢૈયા ન હોય તેમનું પણ થઈ શકે છે. એ વાત અલગ છે કે સાડા સાતી અને ઢૈયા જેટલી ઇવેન્ટફૂલ હશે એટલો બીજો સમય નહીં હોય.
3) શનિ ઢૈયા કે સાડા સાતી દરમિયાન એક્ઝેટલી કરે છે શું? શનિ ઢૈયા કે સાડાસાતી દરમિયાન તમારા જીવનનો ગીયર બદલાય છે. શનિ ચંદ્રને પ્રભાવિત કરે છે. ચંદ્ર એટલે મન. શનિ રિયાલિટીનો કારક છે. સાડા સાતી કે ઢૈયા દરમિયાન તમારી કલ્પનાઓની તોડફોડ થાય છે. કાં તો કલ્પના બહારની સફળતા મળે છે અથવા કલ્પના બહારનો સંઘર્ષ થાય છે. કોઈ પણ રીતે કલ્પનાના સીમાડા તૂટે છે. હવે જે લોકો કલ્પના કરતા નથી, પણ વાસ્તવિકતાની ધરા પર પગ રાખીને જીવે છે તેમને શનિની સાડા સાતી કે ઢૈયા બહુ અસર કરવાની નથી. પણ જે લોકોને બહુ અરમાન છે, બહુ સપનાં છે તેમને ક્યારેક ગુલાબ જાંબુને બદલે કારેલું મોંમાં આવી ગયું હોય એવી ફીલીંગ આવશે.
4) શનિની સાડા સાતી કે ઢૈયા દમરિયાન તમારું સારું થાય કે ખરાબ એ ગૌણ બાબત છે મુખ્ય બાબત એ છે કે તે તમને થકવશે. તમે સામાન્ય રીતે 10 કલાક કામ કરતા હશો તો સાડા સાતી કે ઢૈયામાં તમારે 14 કલાક કામ કરવું પડશે. કમ્પલસરી. માની લો કે સાડા સાતી દરમિયાન તમને તમારી નોકરીમાં બહુ ઊંચી પોસ્ટ મળી જાય અને એ ઊંચી પોસ્ટની જવાબદારીઓને મીટ કરવા માટે તમારે 14થી 15 કલાક કામ કરવું પડે.
આખી ચર્ચાનો સાર એટલો છે કે જે વર્કોહોલિક છે અને જે બહુ ખ્વાબની દુનિયા સજાવતા નથી તેમને સાડા સાતી કે ઢૈયાથી ડરવાની જરૂર નથી. જેમણે એવો ભય બનાવી લીધો છે કે, ‘પનોતી આવી, મરી ગ્યા.’ તેઓ પોતાને જ નડી રહ્યા છે એટલું યાદ રાખવું.
શનિની સાડા સાતી કે ઢૈયામાં ખરાબ જ થશે તેવો ભય મનમાંથી કાઢી નાખો અને પોઝિટીવ બની મહેનત કરવા લાગો. એક વાત યાદ રાખો જન્મ કુંડળી એ માત્ર ટ્રેન્ડ સૂચવે છે. ‘આવું જ થશે’ કે ‘આમ જ થશે’ તેની કોઈ ગેરેન્ટી નથી. કોઈની કુંડળી પ્રમાણે તે ધનવાન થશે કે નહીં થાય તે કહી શકાય, પણ કોઈને કુંડળી જોઈને તેનો પગાર કેટલો છે કે તેની પાસે કેટલી બેંક બેલેન્સ છે તે ન કહી શકાય. જો આવું કહેવાનો કોઈ દાવો કરતું હોય તો તે તેમને ધૂતે છે. આથી બિનજરૂરી ભયભીત થઈને ખુદને નુકસાન ન પહોંચાડતા.
આ આર્ટીકલ તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેઓ નેગેટિવિટીનો શિકાર ન બને.