
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
29મી માર્ચે સૂર્ય ગ્રહણ થવાનું છે. ભારતમાં દેખાશે નહીં, આથી સૂતક પાળવાનું થતું નથી. સૂર્ય ગ્રહણ આંશિક હશે, જે યુએસએ, કેનેડા, યુકે, ફ્રાન્સ, સ્પેન, જર્મની, બેલ્જિયમ, નેધરલેન્ડ્સ, આયરલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફીનલેન્ડ, મોરોક્કો, ગ્રીનલેન્ડ, ફારો આઇલેન્ડ, નોર્વે અને રશિયાના કેટલાક ભાગમાં દેખાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 2.20 વાગ્યે સૂર્ય ગ્રહણ શરૂ થશે, 04.17 વાગ્યે ચરમ પર પહોંચશે અને સાંજે 06.13 વાગ્યે તેનો મોક્ષ થશે.
પૂર્વી વિચાર પ્રમાણે ગ્રહણ મુશ્કેલી સૂચવે છે, વેસ્ટર્ન વિચાર પ્રમાણે ગ્રહણ બાદ મુશ્કેલી આવે એ જરૂરી નથી, પરંતુ પરિવર્તન ચોક્કસથી આવે છે. ગ્રહણને લીધે પૃથ્વી પર પડતા ગ્રેવિટેશનલ ફોર્સમાં પરિવર્તન થવાથી ભૂકંપ આવવાની ઘટના પણ ઘટતી હોય છે. આથી ગ્રહણ બાદ ગણતરીના દિવસોમાં વિશ્વમાં ક્યાંક ભૂકંપ અથવા સુનામીની ઘટના ઘટી શકે છે. મીન રાશિ અને કૂર્મ ચક્ર આ ઘટના ભારત અથવા વિશ્વની ઉત્તર અથવા દક્ષિણ દિશામાં બનશે એવું સૂચવે છે.
વિવિધ સંસ્કૃત ગ્રંથોમાં ગ્રહણ વિશે શું લખ્યું છે તે જોઈએ
વરાહમિહિર કૃત બૃહદ સંહિતામાં કંઈક આ પ્રકારે લખ્યું છે,
ग्रहणे च यदि सूर्यो नीचो वा पीडितो ग्रहैः।
राज्ञश्च व्यसनं राष्ट्रं च दुर्भिक्षं प्रजायते॥
અર્થાત, ગ્રહણ વખતે સૂર્ય નીચસ્થ હોય અથવા પીડિત હોય તો રાજા માટે મુશ્કેલી ઊભી કરે છે અથવા દુર્ભીક્ષ થાય છે. દુર્ભીક્ષ એટલે કે અન્ન સંકટ.
મહાભારતકાર ચેતવે છે,
चन्द्रादित्यावुभौ ग्रस्तावेकमासे त्रयोदशीम्।
राज्ञो विनाशमाचक्षते लोकानामभयावहम्॥
સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ બંને એક જ જ માસમાં થાય તો રાજા માટે વિનાશક પુરવાર થાય છે અને પ્રજાજનોમાં ભય ફેલાય છે.
તાજિકશાસ્ત્રમાં લખ્યું છે,
यदा ग्रहणमादित्यस्य तत्काले भूमिकम्पनम्।
व्याधयश्च महामारी राष्ट्रे दुर्भिक्षकारकम्॥
સૂર્યગ્રહણ થાય ત્યારે ભૂકંપ, રોગચાળો અને અન્ન સંકટના સંકેત મળે છે.
યાદ કરો, 26 ડિસેમ્બર 2019. ધન રાશિમાં છ ગ્રહોની યુતિ થઈ હતી અને સૂર્ય ગ્રહણ થયું હતું. ત્યાર બાદ કોવિડ-19 મહામારી આવી.
ઓલ ઇંડિયા ફેડરેશન ઓફ એસ્ટ્રોલોજર્સ સોસાયટીએ બહાર પાડેલી મન્ડેન એસ્ટ્રોલોજી નામની કિતાબમાં લખ્યું છે કે, ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગ્રહણ થાય ત્યારે સૌરાષ્ટ્ર અને બાંગ્લાદેશની મહિલાઓને કષ્ટ પડે છે. મીન રાશિમાં ગ્રહણ થાય ત્યારે બૌદ્ધિકોને કષ્ટ પડે છે.
જ્યાં સૂર્ય ગ્રહણ દેખાયું હોય ત્યાં તેની અસર વધારે જોવા મળતી હોય છે. જ્યાં સૂર્ય ગ્રહણ ન દેખાયું હોય ત્યાં તેની અસર અંશતઃ જોવા મળતી હોય છે. આથી ભારતમાં બહુ ચિંતાનો વિષય બનતો નથી. હા, પંચગ્રહી યુતિ અને 30મી માર્ચે થનારી શડગ્રહી યુતિની અસર થઈ શકે છે. આટલા બધા ગ્રહો એક રાશિમાં ભેગા થાય ત્યારે એનર્જી ઇમ્બેલેન્સ થતું હોય છે, જે આપદા અથવા મોટી ઘટનામાં પરિણમી શકે.
મીન રાશિ જળતત્ત્વ રાશિ હોવાથી કોઈ પ્રકારની જલીય આપદા સંભવ છે.
પંચગ્રહી યુતિ અને શડગ્રહી યુતિની બાર રાશિ પર શું અસર થશે તે વિશેનો આર્ટીકલ હવે પછી. આ માત્ર ઇન્ફોર્મેશન છે. આવા તો કેટલાય ગ્રહણ આવ્યા અને ગયા. રામ રાખે એને કોઈ ચાખી શકતું નથી. આથી ડરવું નહીં, પ્રાર્થના અને ધ્યાન થકી નિયમિતપણે સર્જનહાર સાથે કનેક્ટ થવું.