
- આંખ છીપ, અંતર મોતી
'૧૦૦૦૦ રૂપિયાથી વધુ રૂપિયા ન રાખવા, એવો નિયમ આપી દો.' પાલીતાણામાં બિરાજમાન મુનિશ્રીએ પરિગ્રહ, પરિમાણવ્રત'નો નિયમ લેવા માટે ઉપદેશ આપ્યો ત્યારે તે યુવાનનો આ જવાબ હતો.
હિંસા- જૂઠ- ચોરી- અબ્રહ્મ અને પરિગ્રહના સર્વથી ત્યાગસ્વરૂપ પાંચ મહાવ્રતના ધારક મુનિવરે પરિગ્રહત્યાગનો મહિમા સમજાવ્યો. ઓછો પરિગ્રહ હોવો જોઈએ. એટલે એ યુવાને ડરતાં-ડરતાં ૧૦૦૦૦નો નિયમ માંગ્યો.
આ યુવાનને તો ૧૦૦૦૦ પણ વધુ લાગતો હતો. વર્ષોથી મહેનત મજૂરી કર્યા પછી આજે ૧૦૦૦ રૂપિયા એકઠા કરતાં તો નાકે દમ આવી ગયો હતો. આંખે અંધારા આવી ગયા હતા. અને એ અંધારામાં દિવસે તારા દેખાઈ ગયા હતાં. ૧૦૦૦૦ રૂપિયા તો એક મોટું સપનું લાગતું હતું. છતાંય ગુરૂ મહારાજના ઉપદેશના પ્રભાવે એ આ નિયમ લેવા તૈયાર થયો હતો.
ગુરૂમહારાજ કહે ' પરિગ્રહના ત્યાગનો નિયમ લઈ રહ્યો છે. એટલે કે મારા માટે આટલા રૂપિયાથી વધુ રાખીશ નહિ. આનાથી વધારે આવી જાય તો એને સત્કાર્યમાં વાપરી દઈશ. અને જો આ નિયમ લીધા પછી પણ વધુ પૈસા રાખીએ તો નિયમ તોડયો કહેવાય. નિયમ તોડવાથી મહાપાપ લાગે. નિયમ, પાલન માટે લેવાનો છે, તોડવા માટે નહિ. માટે થોડુંક વધારે નિયમન રાખ.'
મૂળ રાજસ્થાનના પણ પછીથી પૈસા કમાવવા માટે શહેરમાં આવેલ આ યુવાન માતાની શત્રુજંયયાત્રાની ઇચ્છા પૂરી કરવા માટે તેને શત્રુંજય મહાતીર્થ લાવ્યો હતો. ત્યાં જઇએ તો સુપાત્રદાન પણ કરી શકાય એવી ભાવનાથી તનતોડ મહેનત મજૂરી કરી હતી. માંડ માંડ થોડું-થોડું કમાતા આ યુવાન આગળ જ્યારે માએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે તેણે કહ્યું કે થોડા સમયમાં લઈ જઈશ.
સખત મહેનતમજૂરી કરી. ૧૦૦૦ રૂપિયા ભેગા કર્યા. શત્રુંજય લાવ્યો. સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરવાની પણ વ્યવસ્થા કરી. સાધર્મિક ભક્તિની પણ ગોઠવણ કરી. અને પ્રવચન સાંભળવા પણ ગયો.
યોગાનુયોગે ત્યાં પૂજ્યશ્રીએ પરિગ્રહ નિયમનની વાત કરી. અને એણે ૧૦૦૦૦ની વાત કરી. ત્યારે પૂજ્યશ્રીએ થોડોક વધારો કરવા સૂચન કર્યો. કેવી અદ્ભૂત વિશેષતા છે આ મહાપુરૂષોની. જે મહાપુરુષ પરિગ્રહ નિયમનનો ઉપદેશ આપ્યો, પરિગ્રહ ઓછો કરવાની વાત કરી, એ જ મહાપુરુષ અત્યારે એને કહે છે - થોડો વધારો કર.
મહાપુરુષોની આજ ઉદારતા છે, આ જ સમજણ છે. સમય જોઈને ઓછું કરવાનું પણ કહે અને સમય-સંજોગ જોયા પછી વધારો કરવાનો પણ કહે.
યુવાન કહે- 'ગુરુદેવ'. આપ મુજ દરિદ્રની મજાક શા સારું કરો છો. હજારમાં તો વર્ષો નીકળી ગયા. ૧૦૦૦૦માં તો ભવ પૂરો થઈ જશે. વધારો શું કરું !'
સ્મિત આપીને ગુરુદેવ કહે- ' કરી લે વધારો.'
' સારું એક લાખ રૂપિયાનો નિયમ આપી દ્યો.'
ફરી ગુરુદેવે એના મોં સામું જોયું. પોતાનું મોં મલકાવ્યું. 'મને હજુ વધારો કરવાનું મન થાય છે.' એમ શબ્દો દ્વારા જણાવ્યું.
પણ યુવાન હવે રૂપે કરીને વધારો ન કરવા માટે મક્કમ હતો. આટલું નિયમન તો ઘણું થઈ ગયું.
આ એ સમયની વાત છે, જ્યારે મહિનાનો પગાર ૫-૧૦ રૂપિયા હતો. આ એ સમયની વાત છે. જ્યારે હજાર રૂપિયામાં તો સેંકડો સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની ભક્તિ થઈ શકતી હતી. આ એ સમય હતો, જ્યારે પાલીતાણા-શત્રુંજયમાં પ્રાયઃ ભોજનશાલાઓ ન હતી. ગૃહસ્થો યાત્રા કરવા આવતા. ભાથું લઈને આવતા. એમાંથી જમતા અને પોતાના લાવેલા મોટા-મોટા ડબ્બાઓમાંથી ચતુર્વિધ સંઘની ભક્તિ કરતા.
હજાર રૂપિયા ભેગા કરવામાં જેને વરસો નીકળી જાય એના નસીબમાં લાખ તો ક્યારે આવવાના ?
યુવાન પોતાના ભાગ્યને જોઈને હસે છે, અને ના કહે છે, વધારવા. સાધુ યુવાનના ભાગ્યને જોઈને સ્મિત કરે છે, અને વધારવા કહે છે. યુવાન પોતાના ભાગ્યને જુએ છે, ભૂતકાળને દ્રષ્ટિ સમક્ષ રાખીને. સાધુ તેના ભાગ્યને જુએ છે, ભવિષ્યકાળને દ્રષ્ટિસમક્ષ રાખીને. યુવાન મક્કમ છે, પરિગ્રહનિયમનમાં વધારો કરાવવા. છેવટે સાધુ મહારાજ તેને કહે છે.' હવે છેલ્લી મારી આ વાત સાંભળી લે. ત્રણ લાખ રૂપિયાનું નિયમન લઈ લે. રત્નત્રયીના ધારક સાધુના શ્રીમુખે ત્રણનો આંક તારા માટે શુભસૂચક છે. માની જા મારી વાત.'
વેપાર ચાલતો હોય. ગ્રાહક અને વેપારી વચ્ચે કચમકશ ચાલે. અને છેલ્લે પતાવત પર આવવાનું હોય ત્યારે બેમાંથી એક કહે- હવે મારી અને તમારી બંનેની વાત રાખો. આ છેલ્લી વાત સ્વીકારી લ્યો. તે પછી કોઈએ કાંઈ પણ નહીં બોલવાનું. અને સોદો પતી જાય.
અહીં પણ એ જ થયું. સાધુએ કહ્યું- 'બસ, આ છેલ્લી વાત. હવે કોઈએ કશી વાત નહીં કરવાની.'
ઘરે માતા-પિતાની આજ્ઞાા પાળનારો સાધુને કેમ નકારે ? ત્રણ લાખથી વધુ રૂપિયા ઘરમાં નહીં રાખવાનો નિયમ લીધો. ભાગ્યચક્ર એવું ફર્યું કે આગળ વધતાં આજ યુવાન દરરોજના ત્રણ લાખ રૂપિયા કમાતો થઈ ગયો.
પ્રભાવના
ભાગ્યચક્રને ફેરવનારા ચાર પાંખિયા-
૧) પંચમહાવ્રતધારી સાધુના અમૃતવચનો.
૨) જન્મદાતા માતા-પિતાના અમૃત આશીર્વાદ.
૩) ત્યાગની પૂર્ણભાવના સાથેનો નિયમ.
૪) પરમપિતા પરમેશ્વરનો પૂર્ણ કૃપા.
આ ચારેય પાંખને સાથે રાખનારો એક નબળો યુવાન, નામે ઇન્દ્રમલજી ધોકા, સંપત્તિના મહાન બળને મેળવે છે. જિંદગીમાં ત્રણ લાખ રૂપિયાથી વધુ ન રાખવાનો નિયમ લેનારો રોજના ત્રણ લાખ કમાતો થઈ ગયો. સાધુના વચન પર પૂર્ણ વિશ્વાસ રાખો.
- આચાર્ય રાજહંસ