ભાવનગરમાં છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. એવામાં અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે લોકો ફસાઈ ગયા હતાં, જેમનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતાં. આવી જ ઘટના ભાવનગરના સિહોરના મગલાણા ગામમાં બની હતી. જેમાં રેસ્ક્યુ કરવા ગયેલા તરવૈયાઓ પોતે ફસાઇ જતા PI મદદે આવ્યા હતા.
શું હતી ઘટના?
મગલાણા ગામમાં સોલાર પ્લાન્ટમાં પાણી ભરાઈ જતા પાણીના ધસમસતા પ્રવાહમાં પાંચ લોકો ફસાઇ ગયા હતા. મગલાણી નદીમાં પૂરનો પ્રવાહ આવી જતા આ લોકો ફસાઈ ગયા હતાં, જેને બચાવવા માટે તરવૈયાઓ ગયા હતા. જોકે, આ દરમિયાન ઓચિંતો પ્રવાહ વધી જતા તરવૈયાઓ બાવળની ઝાડીમાં ફસાઈ ગયા હતા. જોકે, આ વિશે જાણ થતાં PI બી.ડી જાડેજા દોરડું લઈને તરવૈયાઓને બચાવવા પહોંચ્યા હતા. આ પોલીસ અધિકારીએ પોતાની સૂઝબૂઝના આધારે ત્રણેય તરવૈયાઓને બહાર કાઢ્યા હતા.
NDRFની ટીમે હાથ ધરી કાર્યવાહી
નોંધનીય છે કે, અત્યારે ત્રણેય તરવૈયા તો બચી ગયા છે. પરંતુ, સોલાર પ્લાન્ટમાં જે લોકો ફસાયા હતાં, તે હજુ સુધી બહાર નથી નીકળી શક્યા. પાણીના વધતા પ્રવાહને ધ્યાને લઈને સ્થાનિક તરવૈયાઓને ત્યાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સોલાર પ્લાન્ટમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.