મધ્યપ્રદેશના રીવામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા મૂશળધાર વરસાદના કારણે હાલમાં જ નિર્માણ કરાયેલા એરપોર્ટની બ્રાઉન્ડી વૉલ ધરાશાયી થઈ છે. 500 કરોડના ખર્ચે થોડા મહિના પહેલાં જ તૈયાર આ એરપોર્ટની દિવાલ ધરાશાયી થતાં સોશિયલ મીડિયા પર સરકાર વિરૂદ્ધ આક્ષેપો થઈ રહ્યા છે. 15 ફેબ્રુઆરી, 2023ના રોજ શિલાન્યાસ થયા બાદ 20 ઓક્ટોબર, 2024ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ થયુ હતું.
એરપોર્ટ વિસ્તારની જમીન ધસી પડી
મધ્યપ્રદેશમાં ભોપાલ, જબલપુર, ખજૂરાહો, ઈન્દોર અને ગ્વાલિયર બાદ રીવામાં છઠ્ઠુ એરપોર્ટ બનાવવા આશરે પાંચ ગામની 323 એકર જમીન ભાડેપટ્ટે લેવામાં આવી છે. 99 વર્ષના ભાડા કરાર સાથે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને એરપોર્ટ માટે લાયસન્સ આપ્યું હતું. પરંતુ મૂશળધાર વરસાદના કારણે એરપોર્ટ વિસ્તારની જમીન ધસી પડી હતી. જેથી દિવાલનો એક હિસ્સો જમીનદોસ્ત થયો હતો.
રનવૅ સહી સલામત
એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા અનુસાર, એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતાં બાઉન્ડ્રી વૉલ ધરાશાયી થઈ હતી. તે પાણીના વહેણને રોકી શકી ન હતી. જો કે, રનવૅ સહી સલામત છે. તેને કોઈ નુકસાન થયુ નથી. ફ્લાઈટનું સંચાલન પણ ચાલુ છે.
સોશિયલ મીડિયા X પર એક યુઝરે પોસ્ટ કરી લખ્યું હતું કે, ગતવર્ષે પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી ખુલ્લુ મુકવામાં આવેલું એરપોર્ટ પહેલા વરસાદમાં જ ધોવાયું. જે બાંધકામની ગુણવત્તા પર સવાલો ઉભા કરી રહી છે.
ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા
રીવામાં છેલ્લા 24 કલાકમાં લગભગ આઠ ઈંચ વરસાદ થયો હતો. નદી કિનારાના વિસ્તારોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા હતાં. રિવા શહેર નદીમાં બેટમાં ફેરવાયું છે. વહીવટી તંત્રે બચાવ કામગીરી અને સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે.