Home / Gujarat / Jamnagar : Jamnagar: Riverfront project has not received approval

જામનગર: રિવરફ્રન્ટ યોજનાને મંજૂરી મળી જ નથી, તો પાઈપલાઈનમાં રહેલા પ્રોજેક્ટનો 'પ્રારંભ' કોણે કરાવ્યો?

જામનગર: રિવરફ્રન્ટ યોજનાને મંજૂરી મળી જ નથી, તો પાઈપલાઈનમાં રહેલા પ્રોજેક્ટનો 'પ્રારંભ' કોણે કરાવ્યો?

જામનગરની રંગમતિ-નાગમતિ નદી પર રિવરફ્રન્ટ યોજનાને મંજૂરી મળી હોવાના સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે, એટલું જ નહીં આ પ્રોજેક્ટને ડ્રીમ પ્રોજેક્ટ ગણાવીને નેતાઓ અધિકારીઓ વાહવાહી લૂંટવામાં પણ લાગી ગયા છે. જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ખુદ થોડાક દિવસ અગાઉ મીડિયા સાથે વાત કરતા આ યોજનાની માહિતી આપી હતી. ઉપરાંત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ આ મામલે એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં ઉલ્લેખ કરાયો છે કે...

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'જયારે તમારું સપનું આકાર લે ત્યારે...
જામનગર એક એતિહાસિક નગર છે, તેની યશ ક્લગીમાં ઉમેરો કરવા માટે રંગમતી-નાગમતી નદી પર રીવરફ્રન્ટ યોજના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પારિત કરવામાં આવી છે. ગત રોજ પ્રોજેક્ટ સ્થળે મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા.'

તમને જણાવી દઈએ કે રંગમતી-નાગમતી નદી એ જામનગરની પૌરાણિક નદી છે. જામનગર મહાનગરપાલિકા તંત્રએ મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે, અને અનેક નાના મોટા દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. દરમિયાન જામનગર શહેરની ઐતિહાસિક રંગમતી-નાગમતી નદી વહેણ પણ દબાણ કરનારા તત્વો દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા, અને છડે ચોક મકાનો તેમજ ધંધાના સ્થળો ઉભા કરી દેવાયા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થાય છે. જે તમામ દબાણો ઉપર તાજેતરમાં જ તંત્રનો હથોડો ઝીંકાયો હતો. ત્યારે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ના થાય એ માટે રંગમતી નદીને તેના મૂળ સ્વરૂપમાં પાછી લાવવા માટે ઉંડાણની કામગીરી હાથ ધરવામા આવી હતી જેથી તેમાં પાણીના સંગ્રની સાથે સાથે શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનું નિવારણ લાવી શકાય. અને જ્યારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મંજૂરી મળે ત્યારે આ કામગીરી માટે અન્ય ખર્ચ ન કરવો પડે.

એક મહિના અગાઉ જ્યારે મહાનગરપાલિકાના પદાધિકારીઓ જામનગરના વિવિધ વિકાસના કામ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા હતા. મેયર, ડે.મેયર,  સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન સહિતના લોકોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને કેટલાક મુદ્દાઓ રજુ કર્યા હતા. જેમાં 2 નંબરના મુદ્દામાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટને તાત્કાલીક મંજુરી આપવા બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈ નદીની મુળ સ્થિતિ પહોળાઈ/લંબાઈમાં ખોદાણ માટેની ગ્રાન્ટ વહેલી તકે રીલીઝ કરવા રજૂઆત કરવામાં આવી હતી. 

આ ઉપરાંત આ સ્થળે ચાલી રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે પહોંચેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ મીડિયા સમક્ષ વાત કરતા નિવેદન આપ્યું હતું કે, 'રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ સ્ટેપ છે, જેમાં રંગમતી-નાગમતી નદીને ઉંડી અને પહોળી કરવાની કામગીરી શરુ થઈ છે ત્યારે...'

મૂળ હકીકત જાણવા માટે અમે આ મામલે જામનગરના કમિશનર દિનેશ મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'આ પ્રકારના કોઈ પ્રોજેક્ટને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, આ પ્રોજેક્ટની દરખાસ્ત મુકવામાં આવી છે પરંતુ હજુ સુધી એને મંજૂરી મળી નથી. આ પ્રોજેક્ટ અંડર પાઈપલાઈન છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો અને નદીઓને ઉંડા અને પહોળા કરવાનું કામ ચાલતુ હોય છે, એ જ રીતે આ નદીમાં પણ ખોદકામ કરીને ઉંડી અને પહોળી કરવામા આવી રહી છે. ભવિષ્યમાં જ્યારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મંજૂરી મળશે ત્યારે આ કામ વ્યર્થ નહીં જાય.' 

 પ્રોજેક્ટને જો મંજૂરી મળે તો કોઈ સત્તાવાર તેની જાહેરાત પણ થવી જોઈએ

હવે સવાલ એ થાય છે કે, આટલા મોટા પ્રોજેક્ટને જો મંજૂરી મળે તો કોઈ સત્તાવાર તેની જાહેરાત પણ થવી જોઈએ કે પછી થઈ હશે. તપાસ કરતા માલુમ પડે છે કે આ આખા પ્રોજેક્ટ માટે રજૂઆત જ કરવામા આવી છે અને હાલ જે કામકાજ શરુ કરવામા આવ્યું છે એ તો સુજલામ સુફલામ યોજના અંતર્ગત કરવામા આવી રહ્યું છે. જેનો સંપૂર્ણ ખર્ચ કોર્પોરેશન દ્વારા ઉપાડવામા આવતો હોય છે એવું કમિશ્નર દિનેશ મોદીએ અમારી સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

સ્વાભાવિક છે કે જ્યારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મંજૂરી મળશે ત્યારે નદીને ઉંડી અને પહોળી કરી હશે તો એ વ્યર્થ નહીં જાય. તો આ વાતને આટલી તોડી મરોડીને કેમ રજૂ કરવામા આવી હશે? ધારાસભ્યએ તો સુજલામ સુફલામ યોજનાની કામગીરીને રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો ફર્સ્ટ ફેઝ સુધી ગણાવી દીધો! જ્યારે હકીકત એ છે કે જુદી-જુદી સંસ્થાઓ પાસેથી 4 કરોડ જેટલી રકમનું ભંડોળ એકઠું કરીને સુજલામ સુફલામ યોજના અંતર્ગત નદીને ઉંડી અને પહોળી કરવાનું કામ ચાલી રહ્યું છે.  

વાહવાહી લૂંટવા માટે આ પ્રકારની નિવેદનબાજી કરી નાખતા હોય

નેતાઓ તો પોતાના વિસ્તારમાં વાહવાહી લૂંટવા માટે આ પ્રકારની નિવેદનબાજી કરી નાખતા હોય પણ સત્તાધિશ અધિકારીઓ આ પ્રકારની ભૂલો કેવી રીતે કરી શકે? એ સૌથી મોટો સવાલ છે. એકાદ મીડિયા અહેવાલમાં તો મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીએ મીટીંગ કરીને જામનગર શહેરનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ઝડપથી શરૂ​​​​​​​ થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હોવાનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. કેટલાક અહેવાલોમાં તો રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવી દેવાયો છે. આ અમે નહીં પણ કેટલાક મીડિયા અખબારો કે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થયેલા અહેવાલોમાં છપાયું છે. 

આ કામગીરી સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચાલી રહી છે

આ મામલે વધુ જાણકારી મેળવવા માટે અમે સીટી ઈજનેર ભાવેશ જાનીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન તેમણે પણ કમિશ્નરે જે વાત કહી તેમાં સુર પુરાવ્યો હતો કે આ કામગીરી સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચાલી રહી છે. તો રિવરફ્રન્ટ પ્રોજેક્ટની શરુઆત કોણે અને કેવી રીતે કરાવી એ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. સીટી ઈજનેરે આ વાતની સ્પષ્ટતા કરતા શું કહ્યું જુઓ વીડિયોમાં...

ખાણખનીજ વિભાગે કામ બંધ કરાવ્યાનો દાવો

અહેવાલ તો ત્યાં સુધી મળ્યા છે કે, રાજ્યની સુજલામ સુફલામ યોજના હેઠળ રંગમતી નદીમાંથી કાંપ ઉપાડવાનું શરુ કર્યું હતું. જે કામને રિવરફ્રન્ટની કામગીરીનો પહેલો ફેઝ ગણાવીને બે બે ધારાસભ્યો નિરીક્ષણ કરી આવ્યા હતા એ કામ બંધ થઈ ગયાનો સણસણતો સવાલ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વિરોધપક્ષના નેતા ધવલ નંદાએ ઉઠાવ્યો હતો. મનપાનું કામ હોવા છતાં ખાણ ખનીજ વિભાગે તેને બંધ કરાવી દેતા ભારે ચર્ચા જાગી હતી. નંદાએ મનપાની સામાન્ય સભામાં સવાલ કર્યો હતો કે સરકારના સુજલામ સુફલામ પ્રોજેક્ટમાં કામ થતું હોવા છતાં શા માટે કામ અટકાવાયું હતું?

જેનો જવાબ આપતા મનપાના અધિકારીએ જણાવ્યું હતું કે, ખાણ ખનીજ વિભાગની મંજૂરી ન હોવાથી કામ બંધ કરવામાં આવ્યું છે, આ માટેની કાર્યવાહી ચાલુ છે. પણ જો સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખાણ ખનીજ વિભાગની પરવાનગીની જરુર રહેતી હોય તો મનપા સત્તાધીશો આટલા મોટા ડ્રીમ પ્રોજેક્ટમાં આ ભૂલ કેવી રીતે કરી શકે?

ખેર આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હોય કે સુજલામ સુફલામ યોજના, પ્રજાના હિત માટે આ કામ ઝડપથી થવું જરુરી છે. કારણ કે અંતે સુવિધાઓના અભાવે ભોગવવાનું તો પ્રજાએ જ હોય છે. 

Related News

Icon