
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભોપાલમાં એક જાહેર સભાને સંબોધિત કરતા પીએમ મોદી અને RSS- ભાજપ ઉપર જોરદાર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ પાકિસ્તાન સામે યુદ્ધવિરામ અંગે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, ત્યાંથી ટ્રમ્પનો એક ફોન આવ્યો અને નરેન્દ્ર સરેન્ડર.રાહુલે કહ્યું કે જો તમે ભાજપ-આરએસએસના લોકો પર થોડું પણ દબાણ કરો તો તેઓ ડરીને ભાગી જાય છે. દેશમાં વિચારધારાની લડાઈ પર ભાર મૂકતા રાહુલ ગાંધીએ ભાજપ પર બંધારણને નબળું પાડવાનો અને સામાજિક ન્યાયની વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો.
'ટ્રમ્પે કહ્યું નરેન્દ્ર, શરણાગતિ આપો'
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું, 'ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાંથી ફોન કરીને કહ્યું- નરેન્દ્ર સરેન્ડર! અને અહીં નરેન્દ્ર મોદીએ તરત જ 'જી હજૂર' કહીને તેમની સૂચનાઓનું પાલન કર્યું. રાહુલે ભાજપ-આરએસએસની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેમનો ઈતિહાસ 'સરેન્ડરની ચિઠ્ઠી' લખવાનો રહ્યો છે.
૧૯૭૧ના યુદ્ધનો કર્યો ઉલ્લેખ
રાહુલ ગાંધીએ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતા ઇન્દિરા ગાંધીના દૃઢતા- નિડરતાનેયાદ કરી. તેમણે કહ્યું, "જ્યારે યુએસ સેવન્થ ફ્લીટ ભારતને ધમકી આપવા આવ્યો, ત્યારે ઇન્દિરાજીએ કહ્યું હતું - મારે જે કરવું હશે તે હું કરીશ. પરંતુ ભાજપ-આરએસએસનું કેરેક્ટર હંમેશા દબાણમાં ઝૂકી જવાનું રહ્યું છે. રાહુલે કહ્યું, "૧૯૭૧માં કોંગ્રેસે સુપરપાવરની ધમકી છતાં પાકિસ્તાન તોડી નાખ્યું. આપણા સિંહો અને સિંહણો ક્યારેય ઝૂકતા નથી, પરંતુ લડે છે."
સામાજિક ન્યાય માટે લડાઈ, જાતિ વસ્તી ગણતરીનું વચન
રાહુલે કોંગ્રેસની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે તેમનો પક્ષ સામાજિક ન્યાય માટેની લડાઈને મજબૂત બનાવશે. તેમણે વચન આપ્યું હતું કે, "અમે લોકસભામાં જાતિગત વસ્તી ગણતરી પસાર કરાવીશું." ભાજપ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે દબાણ વધતાં જ ભાજપ-આરએસએસના નેતાઓ જાતિ આધારિત વસ્તી ગણતરી વિશે વાત કરે છે, પરંતુ તેનો અમલ કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી.
'અદાણી-અંબાણીવાળો દેશ નહીં, અમને ન્યાયવાળું ભારત જોઈએ'
રાહુલે ભાજપ પર કોર્પોરેટ્સને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, 'ભાજપ-આરએસએસ દેશમાં ન્યાય નથી ઈચ્છતા. તેઓ અદાણી-અંબાણીવાળો દેશ ઈચ્છે છે, સામાજિક ન્યાયવાળું ભારત નહીં.' તેમણે કોંગ્રેસના નેતાઓ ગાંધી, નેહરુ અને સરદાર પટેલનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ લોકો એવા હતા જેઓ મહાસત્તાઓ સામે લડ્યા હતા, ઝૂક્યા નહોતા.