
સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસને ગુરુવારે નવી 'Anderson–Tendulkar Trophy' નું અનાવરણ કર્યું. આ ટ્રોફી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની દ્વિપક્ષીય ટેસ્ટ સિરીઝમાં વિજેતા ટીમને આપવામાં આવશે. અગાઉ આ ટ્રોફી 'પટૌડી ટ્રોફી' તરીકે જાણીતી હતી. પટૌડી ટ્રોફી 2007માં શરૂ થઈ હતી. પટૌડી સિનિયરે ઈંગ્લેન્ડ અને ભારત માટે ક્રિકેટ રમી હતી. ટાઈગર પટૌડીએ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું હતું.
ટ્રોફી પર મહાન ક્રિકેટરોની સાઈન
ટ્રોફી પર તેંડુલકરની આઈકોનિક કવર ડ્રાઈવ અને એન્ડરસનની સિગ્નેચર બોલિંગ એક્શનની છબી સાથે બંને મહાન ક્રિકેટરોની સાઈન છે. બંને ક્રિકેટ બોર્ડના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "એન્ડરસન-તેંડુલકર ટ્રોફી એ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચેની સંયુક્ત પહેલ છે, જે હવે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ભવિષ્યની તમામ ટેસ્ટ સિરીઝનું પ્રતિનિધિત્વ કરશે. અગાઉ, ઈંગ્લેન્ડમાં સિરીઝ 'પટૌડી ટ્રોફી' માટે અને ભારતમાં 'એન્થોની ડી મેલો ટ્રોફી' માટે રમાતી હતી."
https://twitter.com/englandcricket/status/1935675627413356802
પટૌડી ટ્રોફી 2007માં શરૂ કરવામાં આવી હતી
પટૌડી પરિવાર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ સાથે સંકળાયેલ રહેશે. 2025 આવૃત્તિથી શરૂ થતી દરેક ઈંગ્લેન્ડ-ભારત ટેસ્ટ સિરીઝના વિજેતા કેપ્ટનને એક નવો પટૌડી મેડલ આપવામાં આવશે. 2007માં શરૂ થયેલી પટૌડી ટ્રોફીમાં, ભારતે ઈંગ્લેન્ડને 1-0 થી હરાવ્યું. આ પછી, ઈંગ્લેન્ડે 2011, 2014 અને 2018માં રમાયેલી સિરીઝ જીતી. 2021માં રમાયેલી સિરીઝ 2-2થી ડ્રો રહી હતી. સિરીઝની 1 મેચ કોરોનાને કારણે પાછળથી રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી.
સચિન તેંડુલકર ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે પોતાની કારકિર્દીમાં રમાયેલી 200 ટેસ્ટની 329 ઈનિંગ્સમાં 53.78ની એવરેજથી 15,921 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 51 સદી અને 68 અડધી સદી પણ ફટકારી હતી. બીજી તરફ, જેમ્સ એન્ડરસને પોતાની કારકિર્દીમાં રમેલી 188 ટેસ્ટમાં 704 વિકેટ લીધી હતી. તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર છે.