
ક્રિકેટમાં સૌથી રોમાંચક હરીફાઈઓમાંથી એક, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝ 20 જૂનથી શરૂ થઈ રહી છે. હાલમાં, બંને ટીમો ખૂબ જ મજબૂત માનવામાં આવે છે અને તેથી જ્યારે પણ આ બંને ટીમો સૌથી લાંબા ફોર્મેટમાં ટકરાય છે, ત્યારે આખી દુનિયાની નજર તેના પર હોય છે. જોકે દરેક વખતે આ સિરીઝ ખાસ હોય છે, પરંતુ આ વખતે તે વધુ ખાસ છે કારણ કે આ સાથે ભારતના નવા ટેસ્ટ યુગની શરૂઆત થશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ સિરીઝમાં, ભારતને શુભમન ગિલના રૂપમાં એક નવો કેપ્ટન મળ્યો છે. ઉપરાંત, સિલેક્ટર્સે એક યુવા ટીમ પસંદ કરી છે જેના પર ભારતનું ભવિષ્ય નિર્ભર છે. તેથી આ સિરીઝ વધુ ખાસ છે કારણ કે આ સાથે ભારતીય ટીમ ટેસ્ટમાં એક નવા યુગમાં પ્રવેશ કરી રહી છે. આવી સ્થિતિમાં, અમે તમને આ સિરીઝની સંપૂર્ણ માહિતી જણાવી રહ્યા છીએ.
સિરીઝનું શેડ્યૂલ
- પહેલી ટેસ્ટ: 20થી 24 જૂન, હેડિંગ્લી
- બીજી ટેસ્ટ: 2થી 6 જુલાઈ, એજબેસ્ટન
- ત્રીજી ટેસ્ટ: 10થી 14 જુલાઈ, લોર્ડ્સ
- ચોથી ટેસ્ટ: 23થી 27 જુલાઈ, ઓલ્ડ ટ્રેફર્ડ
- 5મી ટેસ્ટ: 31 જુલાઈથી 4 ઓગસ્ટ, ધ ઓવલ
આ સાથે, બંને ટીમો ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની 2025-27 સાયકલમાં પોતાનું અભિયાન શરૂ કરશે. ઈંગ્લેન્ડ હજુ સુધી આ ચેમ્પિયનશિપની ફાઈનલ નથી રમ્યું. આ વખતે ઈંગ્લેન્ડની ટીમ આ કામ પૂર્ણ કરવા માંગશે. ભારતીય ટીમ પહેલી બે ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ જીતી નથી શકી.
સિરીઝનું લાઈવ સ્ટ્રીમિંગ
ફેન્સ બે અલગ અલગ પ્લેટફોર્મ પર આ સિરીઝનો આનંદ માણી શકે છે. જીઓસ્ટાર આ સિરીઝની મેચનું લાઇવ સ્ટ્રીમિંગ કરશે. જ્યારે મેચનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. બધી મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.
આ ખેલાડીઓ પર નજર રહેશે
આ સિરીઝમાં બંને ટીમોના કેટલાક ખેલાડીઓ પર નજર રહેશે. જ્યાં સુધી ભારતનો સવાલ છે, તો સૌથી વધુ ધ્યાન કેપ્ટન શુભમન ગિલ પર રહેશે, જે ટેસ્ટમાં પહેલીવાર ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને ટીમના મુખ્ય બેટ્સમેનોમાં સામેલ છે. તેના પછી, નજર કરુણ નાયર પર રહેશે. 2018માં ઈંગ્લેન્ડ પ્રવાસ પછી તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તે 8 વર્ષ પછી ટીમમાં પાછો ફર્યો છે. તે સ્પષ્ટ છે કે જસપ્રીત બુમરાહ આખી સિરીઝ નથી રમવાનો. આવી સ્થિતિમાં, બધાનું ધ્યાન તે કઈ મેચ રમતો જોવા મળશે તેના પર પણ રહેશે.
સાઈ સુદર્શનને ઘરેલુ ક્રિકેટમાં તેના સારા પ્રદર્શન માટે પુરસ્કાર મળ્યો છે અને તેના કારણે, તેનું રમવું પણ નિશ્ચિત માનવામાં આવે છે. આ પ્રવાસમાં તે શું કમાલ કરશે તે જોવાનું રહેશે. ઓપનર યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયામાં બધાને પ્રભાવિત કર્યા. આ તેનો ઈંગ્લેન્ડનો પહેલો પ્રવાસ છે. તેથી બધાની નજરમાં તેના પર પણ છે.
બંને ટીમો
ભારત- શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ઈંગ્લેન્ડ (પહેલી ટેસ્ટ માટે)- બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, સેમ કૂક, જેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ (વિકેટકીપર), જો રૂટ, જેમી સ્મિથ (વિકેટકીપર), જોશ ટંગ, ક્રિસ વોક્સ.