
શિવસેના-યુબીટી સાંસદ સંજય રાઉતે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, 'જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે ભાજપ શાસનની નફરતની રાજનીતિ જવાબદાર છે, જેમાં 26 લોકો માર્યા ગયા.'
સંજય રાઉતે કર્યા કેન્દ્ર પર પ્રહાર
આ સાથે જ પત્રકારે સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, 'અમિત શાહ દેશના ઇતિહાસના સૌથી મોટા નિષ્ફળ ગૃહમંત્રી છે, તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.'
સંજય રાઉતે આ મામલે વધુમાં કહ્યું કે, 'પહલગામ આતંકવાદી હુમલા માટે મોદી સરકાર જવાબદાર છે. દેશમાં આંદોલન કરવાના બદલે અમિત શાહ, પીએમ મોદી અને તેમના પરિવારની સુરક્ષા ઘટાડવી વધુ સારું છે. તેમજ સેનામાં સૈનિકો માટે બે લાખ જગ્યાઓ ખાલી છે. ગૃહમંત્રી તે જગ્યાઓ ભરવા પણ તૈયાર નથી. 2000 પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી. શું કેન્દ્ર સરકારને ખબર નહોતી કે ત્યાં સુરક્ષા વધારવી જોઈએ?'
હુમલા પાછળ ભાજપની નફરતની રાજનીતિ જવાબદાર: સંજય રાઉત
સંજય રાઉતે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, 'જો આતંકવાદીઓ લોકોને મારતાં પહેલા ધર્મ પૂછે છે, તો તેના માટે ભાજપની નફરતની રાજનીતિ જવાબદાર છે.' રાજ્યસભાના સભ્યએ દાવો કર્યો કે નફરતની રાજનીતિ એક દિવસ 'બૂમરેંગ' થશે. આ માટે બીજા કોઈ જવાબદાર નથી પણ પશ્ચિમ બંગાળથી જમ્મુ કાશ્મીર સુધી ફેલાયેલ નફરતનું પરિણામ છે.'
કેન્દ્ર સરકાર વિપક્ષી નેતાઓને જેલમાં નાખવામાં વ્યસ્ત
શાસક ગઠબંધનના નેતાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, 'તેઓ 24 કલાક સરકારો બનાવવામાં અને પાડી નાખવામાં તેમજ વિપક્ષી નેતાઓને જેલમાં નાખવામાં વ્યસ્ત રહે છે. તેઓ લોકોનું રક્ષણ કેવી રીતે કરશે?'
રાઉતે દાવો કર્યો હતો કે બિહારની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર સર્જિકલ સ્ટ્રાઇક કરશે અને રાજકારણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધતા રાઉતે કહ્યું કે, 'નોટબંધી પછી પીએમ મોદીએ કહ્યું હતું કે આ કવાયત દેશમાં આતંકવાદનો અંત લાવશે. પરંતુ, આતંકવાદી હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે અને તેઓ સંસદમાં આતંક સંબંધિત ઘટનાઓ વિશે જૂઠું બોલી રહ્યા છે. તેઓ ઘટનાઓની માહિતી જાહેરમાં બહાર આવવા દેતા નથી.'