
ઉનાળામાં તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, કેનાલ, અને તળાવમાં નહાવા જતા હોય છે. જેના લીધે ડૂબી જવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ત્યારે આજે હળવદના કડીયાણા ગામે બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે, જ્યારે સાવરકુંડલામાં ભેંસણીયા ડેમમાં નહાવા પડતા ત્રણ બાળકોમાંથી 2 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા અને એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો.
હળવદમાં બે બાળકો ડૂબી જતાં મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદ તાલુકાના કડીયાણા ગામે વોકળામાં નહાવા પડેલા બે કિશોરના મોત નીપજ્યા છે. આદિત્ય ભરવાડ (ઉં.વ. 13) અને પ્રિન્સ ભરવાડ (ઉં.વ. 12) નામના બે કિશોર પોતાના દાદાની સાથે ખેતરમાં ગયા હતા. ત્યારે ખેતરની બાજુમાંથી પસાર થતાં વોકળામાં નહાવા પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ત્યારબાદ બંને બાળકોને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કર્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં 2 બાળકો ડૂબ્યા, 1નો આબાદ બચાવ
સાવરકુંડલામાં આકાશી મેલડી મંદિર પાસે ભેંસણીયા ડેમમાં નહાવા માટે ગયેલા ત્રણ બાળકો ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે આ ઘટનામાં કૃણાલ અશ્વિનભાઈ સોલંકી ઉ.વર્ષ 14) અને મંત્ર રાજદીપભાઈ મસરાણી (ઉ.વર્ષ 10)નું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે મોહિત મનીષભાઈ સોલંકી (ઉ.વર્ષ.13) નો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણેય બાળકો સાવરકુંડલાના જેસર રોડ પાસે રહે છે.
ફાયરની ટીમે બે બાળકોના મૃતદેહ બહાર કાઢી 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં પીએમ અર્થે ખસેડ્યા હતા. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોક પ્રસરી જવા પામ્યો હતો અને સાવર કુંડલા સિવિલમાં પરિવારના હૈયા ફાટ રુદનના કરૂણ દ્વશ્યો સર્જાયા હતા.