
સુરતમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં એક યુવક જંતુનાશક ઝેરી દવાની બોટલ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને કહ્યું હતું કે મારે મરી જવું છે. પોલીસે તાત્કાલિક તે યુવકની મનોવ્યથા સમજીને તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેની મદદ કરી તેનો જીવ બચાવ્યો હતો.
પગાર બાકી હતો
વાત જાણે એમ બની છે કે, શહેરના એક ATM સેન્ટરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવકને તેની એજન્સીએ છેલ્લાં ત્રણ મહિનાથી પગાર આપ્યો ન હતો. તેથી તે આર્થિક સંકડામણ અનુભવી રહ્યો હતો. વારંવાર એજન્સીને કહેવા છતાં પગાર નહીં થતાં તે યુવકે જિંદગી ટુંકાવવાનો નિર્ણય લીધો હતો અને જંતુનાશક ઝેરી દવાની બોટલ લઈ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો.પોલીસે સ્થિતિની ગંભીરતા જોઈ એજન્સીનો સંપર્ક કર્યો હતો અને સ્થિતિથી વાકેફ કર્યા હતા. તુરંત જ એજન્સીએ તેના સુપરવાઈઝર મારફત દિનેશભાઈને માસિક 8 હજાર લેખે ત્રણ મહિનાનો બાકી રહેતો 24 હજાર રૂપિયાનો પગાર ચૂકવી દીધો હતો.
મુંબઈની ખાનગી સિક્યોરિટી કંપની
આ સિકયોરિટી ગાર્ડનું નામ દિનેશ છે. તેણે પોલીસને કહ્યું કે, ત્રણ મહિનાથી પગાર કંપનીએ આપ્યો નથી. ઘરની સ્થિતિ કફોડી બની છે. જીવનનિર્વાહ મુશ્કેલ બન્યો છે. આપઘાત સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. દિનેશભાઈની વ્યથા સાંભળી મહિધરપુરા પોલીસ એલર્ટ થઈ હતી. ડીસીપી પીનાકિન પરમારે તાત્કાલિક પોલીસ અધિકારીઓને સિક્યોરિટી ગાર્ડની એજન્સીનો સંપર્ક કરવા સુચના આપી હતી. તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે સિક્યોરિટી ગાર્ડ જે એજન્સીમાં નોકરી કરે છે તે મુંબઈની ખાનગી સિક્યોરિટી કંપની છે. તે કંપનીએ ત્રણ મહિનાથી પગારના રૂપિયા મોકલ્યા ન હતા. તેથી સુપરવાઈઝર પણ સિક્યોરિટી ગાર્ડનો પગાર કરી શક્યો ન હતો.
આપઘાતનો ઈરાદો પડતો મુક્યો
મહિધરપુરા પોલીસે તાત્કાલિક મુંબઈની એજન્સીનો સંપર્ક કર્યો હતો અને તમામ હકીકતથી વાકેફ કરી હતી. પોલીસના હસ્તક્ષેપના પગલે મુંબઈની કંપનીએ તાત્કાલિક પગાર ચૂકવવા નિર્ણય કર્યો હતો અને ત્રણ મહિનાનું 24,000 પગાર સુપરવાઈઝરને મોકલી દીધો હતો. સુપરવાઈઝરે તે પગાર સિક્યોરિટી ગાર્ડને ચૂકવી દીધો હતો. પગાર મળતા ગાર્ડના ચહેરા પર ખુશી ફરી વળી હતી અને તેણે આપઘાત કરવાનો ઈરાદો પડતો મુક્યો હતો. આમ મહિધરપુરા પોલીસે એક પરિવારને વિખેરાતા બચાવી લીધું હતું.