
Sensex today: વીકલી એક્સપાયરી પર આજે ગુરુવારે ભારતીય શેરબજારોમાં સિમિત દાયરામાં કામકાજ થતા જોવા મળ્યા હતાં. સેન્સેક્સ અને નિફ્ટી 50 બંને બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. આનું કારણ ટેરિફ સંબંધિત અનિશ્ચિતતા અને પ્રથમ ક્વાર્ટરના કમાણીના પરિણામ પહેલા રોકાણકારોમાં સાવચેતીનું વલણ હતું.
આજે આઈટી, ડિફેન્સ અને પીએસયુ બેંક શેરોમાં ઘટાડાને કારણે બજાર દબાણ હેઠળ હતું. તે જ સમયે, ટ્રમ્પ ટેરિફ નીતિઓ અને જૂન ક્વાર્ટરના પરિણામો પહેલા રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવતા જોવા મળ્યા હતા. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) આજે તેના એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. ટીસીએસ ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર થાય તે પહેલાં આઇટી શેરો દબાણ હેઠળ રહ્યા હતા.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના નબળા એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામોની અપેક્ષાઓ અને સંભવિત યુએસ વેપાર સોદા અંગે અનિશ્ચિતતાને કારણે આઇટી શેરોમાં ઘટાડો થયો હતો.
આજે 30 શેરોવાળા બીએસઇ સેન્સેક્સ 122 પોઈન્ટના વધારા સાથે 83,658.20 પર ખુલ્યો. જોકે, તે પછી તરત જ લાલ રંગમાં સરકી ગયો. ટ્રેડિંગ દરમિયાન, તે 83,134 પોઈન્ટ પર સરકી ગયો. અંતે, તે 345.80 પોઈન્ટ અથવા 0.41% ઘટીને 83,190.28 પર બંધ થયો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) 50 પણ આજે ઉંચા ગેપમાં ખૂલ્યો હતો. પરંતુ નક્કર ટ્રિગર પોઇન્ટ ન હોવાને કારણે તે લાલ નિશાનમાં સરકી ગયો હતો. અંતે, તે ૧૨૦.૮૫ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા ઘટીને ૨૫,૩૫૫ પર બંધ થયો. આ સતત બીજું ટ્રેડિંગ સત્ર છે જ્યારે ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયો છે. નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100માં પણ ઘટાડો જોવા મળ્યો. એક તરફ, નિફ્ટી સ્મોલકેપ 100 માં 0.27 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને નિફ્ટી મિડકેપ 100માં 0.30 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ
નિફ્ટી-50ના ટોપ ગેનર્સની વાત કરવામાં આવે તો તેમાં સૌથી ટોચ પર મારુતિ સુઝુકીનો શેર રહ્યો હતો. જેમાં 1.45 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી, ઇન્ડસઇન્ડ બેંકમાં 1.44 ટકાનો વધારો, ટાટા સ્ટીલમાં 1.05 ટકાનો વધારો, બજાજ ફાઇનાન્સમાં ૦.75 ટકાનો વધારો અને બજાજ ફિનસર્વમાં ૦.65 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
બીજી તરફ નિફ્ટી-50ના ટોપ લૂઝર્સની વાત કરવામાં આવે તો સૌથી વધારે નુકસાન ભારતી એરટેલમાં જોવા મળ્યું હતું અને તેમાં 2.74 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી, એચડીએફસી લાઇફ 1.92 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.91 ટકા, એપોલો હોસ્પિટલ 1.48 ટકા અને શ્રીરામ ફાઇનાન્સ 1.37 ટકા ઘટ્યા.
સેક્ટોરલ ઇન્ડેક્સ
શેરબજારમાં ઘટાડા છતાં, ફક્ત નિફ્ટી રિયલ્ટી અને મેટલમાં જ અનુક્રમે 0.72 ટકા અને 0.42 ટકાનો વધારો જોવા મળ્યો. સંરક્ષણ ક્ષેત્રમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી અને નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સમાં 2.03 ટકાનો ઘટાડો થયો. આ પછી, નિફ્ટી પીએસયુ બેંક 0.80 ટકા, નિફ્ટી આઇટી 0.79 ટકા, નિફ્ટી ઇન્ડિયા કન્ઝ્યુમર 0.67 ટકા, નિફ્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર 0.63 ટકા અને નિફ્ટી ફાર્મા 0.59 ટકા ઘટ્યા.
આજે ક્યા શેરોમાં હલચલ જોવા મળી?
આજે નિફ્ટીના 50માંથી 40 શેર ઘટાડા સાથે બંધ થયા. ભારતી એરટેલ આ ઇન્ડેક્સમાં સૌથી નબળો શેર હતો. વીમા કંપનીઓના જૂન મહિનાના ડેટા જાહેર થયા પછી, એચડીએફસી લાઇફ ઘટાડા સાથે બંધ થયો અને મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસિસ વધારા સાથે બંધ થયો. ટીસીએસ અને ટાટા એલેક્સીના પરિણામો પહેલા આઈટી શેર ઘટ્યા હતા. એક્ઝો નોબેલ ઈન્ડિયામાં 4.42% હિસ્સો વેચવાના સમાચાર પછી એશિયન પેઇન્ટ્સ 2% ઘટીને બંધ થયો. એલઆઇસીમાં પણ 2% ઘટાડો જોવા મળ્યો. એવું કહેવાય છે કે સરકારે OFS દ્વારા કંપનીના કેટલાક ભાગના વેચાણને મંજૂરી આપી દીધી છે. યુએસ એફડીએ તરફથી મંજૂરી મળ્યા પછી ગ્લેનમાર્ક 5% ઘટીને બંધ થયો. જૂન ક્વાર્ટરના અપડેટ પહેલા પેટીએમનો શેર નરમ અને આજે 4% ઘટીને બંધ થયો.
મોર્ગન સ્ટેનલીના પોઝિટિવ રિપોર્ટ પછી પીએફસી, આરઇસી લીલા નિશાનમાં બંધ થયા. કેપિટલ ગેઇન બોન્ડ માટે સરકાર તરફથી મંજૂરી મળ્યા પછી ઇરડા 2%ના વધારા સાથે બંધ થયા. પ્રેસ્ટિજ એસ્ટેટ્સમાં 3%નો વધારો જોવા મળ્યો.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?
વૈશ્વિક બજારોની વાત કરવામાં આવે તો એશિયા પેસિફિક બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. રોકાણકારો અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે વધતા વેપાર તણાવ અને યુએસ ફેડ દ્વારા વ્યાજ દરો અંગે આપવામાં આવેલા સંકેતો પર નજર રાખી રહ્યા છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે બ્રાઝિલથી આયાત પર ટેરિફ 10% થી વધારીને 50% કરવાની જાહેરાત કરી છે, જે 1 ઓગસ્ટથી અમલમાં આવશે. ટ્રમ્પે આ નિર્ણયને બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો સામે ચાલી રહેલી કાર્યવાહી સાથે જોડ્યો છે અને તેને 'બદલો લેવાનું પગલું' ગણાવ્યું છે. ટ્રમ્પે બ્રાઝિલ સાથેના વેપારને 'ખૂબ જ અન્યાયી' ગણાવ્યો છે.
દરમિયાન, ફેડરલ રિઝર્વની જૂનની બેઠકની મિનિટ્સ દર્શાવે છે કે આ વર્ષે હજુ પણ દરમાં ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ અધિકારીઓ આ અંગે વિભાજિત છે. જ્યારે કેટલાક અધિકારીઓ આગામી બેઠકમાં જ દરમાં ઘટાડો કરવાના પક્ષમાં છે, ત્યારે કેટલાક 2025માં કોઈ ઘટાડાની જરૂર જોતા નથી. ફેડે એમ પણ કહ્યું હતું કે ફુગાવા પર ટેરિફની અસર હાલ માટે નજીવી અને કામચલાઉ હોઈ શકે છે. જોકે વેપાર અને ભૂ-રાજકીય તણાવ હજુ પણ ચાલુ છે, પરંતુ છેલ્લી બેઠકની તુલનામાં અનિશ્ચિતતા થોડી ઓછી થઈ છે.
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 0.39% અને ટોપિક્સ 0.48% ઘટ્યો હતો. તે જ સમયે, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.91% અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ 0.65% વધ્યો હતો.
બીજી તરફ, બુધવારે યુએસ શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું. નાસ્ડેક ઇન્ડેક્સ 0.94%ના વધારા સાથે 20,611.34 પર બંધ થયો, જે એક રેકોર્ડ સ્તર છે. S&P 500 0.61% વધીને 6,263.26 પર બંધ થયો. ડાઉ જોન્સ ઇન્ડેક્સ પણ 0.49%ના વધારા સાથે 44,458.30 પર બંધ થયો.