
'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' માં શક્તિ અરોરા?
ધારાવાહિક 'ગુમ હૈ કિસી કે પ્યાર મે' ની પહેલી બે સિઝન જેટલી લોકપ્રિય બની તેની તુલનામાં ત્રીજી સિઝન સાવ ફેંકાઈ ગઈ હોય એવો તાલ સર્જાયો છે ત્યારે એવી વાતો વહેતી થઈ છે કે હવે તેમાં અભિનેતા શક્તિ અરોરાની એન્ટ્રી થવાની છે. જોકે અભિનેતાએ આ વાતથી ઈનકાર કરતાં કહ્યું હતું કે હું નથી જાણતો આવી અફવાઓ કોણ ફેલાવી રહ્યું છે. પરંતુ આ શો માટે હજી સુધી મારો સંપર્ક કરવામાં નથી આવ્યો. દરમિયાન આ શોમાં મોટો બદલાવ આવી રહ્યો છે. તેમાંથી તેના મુખ્ય અભિનેતા વૈભવ હંકારેનો ટ્રેક પૂરો કરી દેવામાં આવ્યો છે. આંચકાજનક વાત એ છે કે માત્ર બે મહિનામાં જ તેને આ શો છોડવો પડી રહ્યો છે. જ્યારે ભાવિકા શર્માની આ સિરિયલલમાં એન્ટ્રી થઈ રહી છે.
શીના-રોહિતે આપ્યા ગુડ ન્યુઝ
અભિનેત્રી શીના બજાજ અને રોહિત પુરોહિતના વિવાહને આ વર્ષના આરંભમાં છ વર્ષ થયા. અને હવે તેઓ માતા-પિતા બનવાના છે. તાજેતરમાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબર જાહેર કર્યાં હતા. શીનાએ કહ્યું હતું કે, "અમારા જીવનનો આ સૌથી સુખદ તબક્કો છે. અમે ઘણા સમયથી માતા-પિતા બનવા માંગતા હતા. પરંતુ મને સ્વાસ્થ્ય વિષયક સંખ્યાબંધ સમસ્યાઓ હોવાથી તે શક્ય નહોતું બન્યું. હવે અમને એમ લાગે છે કે જ્યારે જે થવાનું હોય ત્યારે જ તે થાય છે. અમારા માટે આ એક ચમત્કાર સમાન છે." 31 વર્ષીય અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, "અમે આ ગુડ ન્યુઝ કહેવા ઉતાવળા બન્યા હતા. પરંતુ ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના મારા માટે અત્યંત કપરા રહ્યા હતા. મને સતત ઊલટીઓ થતી અને ચક્કર આવતા. છેવટે અમે નક્કી કર્યું કે મારું સ્વાસ્થ્ય થોડું સુધરે ત્યાર પછી આ ખુશખબરની જાહેરાત કરવી. હમણાં મને ચોથો મહિનો જઈ રહ્યો છે. હું જાણું છું કે અમારા શુભચિંતકોની પ્રાર્થનાથી સૌ સારાવાના થશે." રોહિતે પણ ખુશમિજાજમાં કહ્યું હતું કે, "શીનાએ ગયા વર્ષના જૂલાઈ માસમાં જ તેનો શો 'વંશજ' છોડી દીધો હતો. હવે અમારો માતા-પિતા બનવાના ઇન્તઝારનો અંત આવ્યો છે."
શોબિઝમાં કામ કરવું અઘરું છે: અશી સિંહ
અભિનેત્રી અશી સિંહ એક વર્ષના અંતરાલ પછી 'ઉફ્... યે લવ હૈ મુશ્કિલ' દ્વારા ટચૂકડા પડદે પરત ફરી રહી છે. અદાકારા કહે છે કે, "વર્ષ 2023માં ટીવી પર મારો છેલ્લો શો આવ્યો હતો. આ એક વર્ષ દરમિયાન મેં એક વેબ સિરીઝમાં કામ કર્યું હતું. પરંતુ હજી સુધી તે રજૂ નથી થઈ. 'ઉફ્... યે લવ હૈ મુશ્કિલ' માં મારી ભૂમિકા અનોખા પ્રકારની છે. આવો રોલ મેં અગાઉ ક્યારેય નથી કર્યો. ખરેખર તો ટચૂકડા પડદે તમને ગમતો રોલ મેળવવો એ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ છે. પરંતુ હું ભાગ્યશાળી છું કે મને વેગવેગળા પ્રકારના શોમાં કામ કરવાના અવસર મળી રહે છે. તમે એક વખત ઝાકઝમાળની આ દુનિયામાં આવી તો જાઓ, પરંતુ અહીં ટકી રહેવાનું પણ આસાન નથી. તમને સારા રોલ મળે તેની રાહ જોવી જ અત્યંત અકળાવનારી બની રહે. જોકે મને આ સિરિયલમાં કામ મળ્યું ત્યારે હું 'ધીરજના ફળ મીઠાં' નો ખરો અર્થ સમજી શકી." માત્ર 17 વર્ષની ઉંમરે અભિનય ક્ષેત્રે પદાર્પણ કરનાર અશી કહે છે કે, "હું ક્યારેય કોલેજના પગથિયાં નથી ચડી તેથી કોલેજ લાઈફની મઝા માણવી કોને કહેવાય તેનાથી અજાણ છું. આમ છતાં મેં મારો અભ્યાસ અધવચ્ચે નથી છોડ્યો. હું ડિસ્ટંટ એજ્યુકેસન લઈ રહી છું. અને મારા મનગમતા ક્ષેત્રમાં કામ કરી રહી છું. હું ખુશ છું કે નાની વયમાં જ હું પગભર થઈ ગઈ છું."