
સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમમાંથી દરરોજ 10 કરોડ લિટર પીવાનું પાણી લેતા ભાવનગર મહાનગરપાલિકા ઉપર પાણીના બિલના 305 કરોડ રૂપિયા વ્યાજનું વ્યાજ ચડી ગયું છે. તેમ છતાં કોર્પોરેશનને પાણી બિલના રૂપિયા ચૂકવવામાં આળસ ખંખેરવી નથી.
શેત્રુંજી ડેમનું નિર્માણ ૧૯૫૯માં થયાને છ વર્ષ બાદ 1965થી ભાવનગરને જરૂરિયાત મુજબ પીવાનું પાણી શેત્રુંજી ડેમમાંથી મળે છે. આજની સ્થિતિએ શેત્રુંજીમાંથી ભાવનગર દરરોજ 100 એમએલડી એટલે કે 10 કરોડ લિટર પાણી આપવામાં આવ્યુ છે. પ્રતિ લિટર 0.50 પૈસાના ભાવે મળતા પાણીનું માસિક સરેરાશ બિલ રૂ 1.73 કરોડ થાય છે. અગાઉના વર્ષોમાં કડકી કોર્પોરેશનને માત્ર પાણી લેવામાં રસ દાખવ્યો હતો અને બિલ ભરવામાં આળસ કરતા પેનલ્ટી અને વ્યાજની રકમ વધીને અધધ.. 305 કરોડે પહોંચી છે. આ બાકી રકમની ઉઘરાણી માટે ભાવનગર ઈરિગેશન વિભાગ દ્વારા સમયાંતરે મહાપાલિકાને પત્ર વ્યવહાર કરાયો છે. પરંતુ વિભાગ કાગળિયા લખી લખીને થાંક્યું તેમ છતાં મનપા નાણાં ભરપાઈ કરતું નથી. સિંચાઈ વિભાગ દ્વારા વન ટાઈમ સેટલમેન્ટ યોજના થકી પણ નાણાં વસૂલાતની કામગીરી થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, 300 કરોડથી વધુના બાકીના નાણાંની ઉઘરાણી મામલે સિંચાઈ વિભાગ કઠોર કાર્યવાહી કરી પાણી આપતું બંધ થાય તો ભાવનગર તરસ્યું તરફડિયા મારે તેવી સ્થિતિ ઉભી થઈ શકે. જો કે, હાલ ભાવનગર શહેરને બોરતળાવમાંથી કાયમી 20 એમએલડી અને હાલમાં જરૂરિયાત મુજબ ૨૦થી ૪૦ એમએલડી સુધી પાણી ઉપાડવામાં આવે છે. જો કે, મુખ્ય આધાર તો શેત્રુંજી ઉપર જ છે.
ગારિયાધાર જૂથ યોજના પાસે પણ અર્ધો કરોડ જેટલી રકમ બાકી
શેત્રુંજી ડેમમાંથી મુખ્યત્વે ભાવનગર બાદ ગારિયાધારને પણ 0.50 પૈસાના ભાવથી પાણી વેચવામાં આવે છે. ભાવનગર જેમ ગારિયાધારની માથે પણ પાણીના બિલનું લેણું ચડી ગયું છે. ગારિયાધાર જૂથ યોજનાનું ૪૮.૫૨ લાખ જેટલું બિલ બાકી બોલે છે. તેમાં પણ 8.88 કરોડ રૂપિયા તો વ્યાજનું જ વ્યાજ ચડી ગયું છે.