
આજકાલ લગ્નમાં ભારે ખર્ચા થતાં હોય છે. દેખાદેખીના કારણે જેમને પોસાય છે તેઓ તો ખર્ચ કરે પરંતુ જેમની પહોંચ નથી તે લોકો પણ દેવા કરીને ખર્ચ કરતાં હોય છે. ત્યારે સુરતમાં રહેતી પાટીદાર સમાજની શિક્ષિત દીકરીએ પોતાના લગ્નમાં પ્રી-વેડિંગ, વરઘોડા, ફટાકડા અને ફૂલનો ખર્ચ અટકાવ્યો હતો. સાથે જ કેટરર્સની જગ્યાએ સંસ્થામાંથી સ્વયંસેવકો પીરસવા માટે આવ્યા હતાં. જેથી ખોટો બગાડ પણ અટક્યો હતો. સમગ્ર લગ્નની સગા સંબંધીઓ સહિતનામાં ચર્ચાની સાથે અલગ નોંધ પણ લેવામાં આવી હતી.
શિક્ષિત દંપતીનો ઉચ્ચ વિચાર
મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ધોરાજીયા ઉર્વશીબેન માસ્ટર ઓફ ઈકોનોનમિક્સ, એમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસ, સામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ કરે છે. તેમના લગ્ન પોલીસ કમિશનર કચેરીમાં એકાઉન્ટ રાઈટર તરિકે ફરજ બજાવતા મહેશકુમાર ભુપતભાઈ હપાણી સાથે થયા હતાં. 10મી મેના રોજ યોજાયેલા આ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર આ દંપતીએ અગાઉથી નિર્ધારિત કર્યા પ્રમાણે ખોટા ખર્ચ અટકાવ્યા હતાં. જેના થકી સમાજમાં એક અલગ જ સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો હતો.
સાદુ જીવન, ઉચ્ચ વિચારને સાર્થક કર્યું
ધોરાજીયા ઉર્વશીબેન અશોકભાઈએ કહ્યું કે, હું કાઉન્સેલિંગ કામ કરુ છું.જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે તેમને સમજાવે છે કે, જેથી તેઓ માતા પિતાને જાણ કરીને આ પ્રકારના પગલાં ભરે. એવી દીકરીઓનું કાઉન્સેલિંગ કરુ છું જે આંતરધર્મમાં જઈને લગ્ન કરતાં હોય છે. ત્યારે મેં મારા લગ્ન વખતે મારા પિતાનો વિચાર અનુસર્યો હતો. મારા પપ્પા કહેતા કે, રૂપિયા બચાવીને રાખવા. જેથી ખરાબ સમયમાં કામ આવે. કોઈ રૂપિયા કોઈ પાસેથી લઈને પ્રસંગ ન ઉજવવા. જેથી મેં પોલીસમાં ફરજ બજાવતા મારા પતિ સાથે વિચાર મૂક્યો તેમણે પણ વધાવી લીધો અને અમે 3 લાખથી વધુની રકમ લગ્નમાંથી બચાવીને ગૌશાળા અને 3 બાળકોની ફી ભરવામાં આ રૂપિયા વાપરીશું. લગ્નમાં પ્રતિજ્ઞા વૃધ્ધસેવા ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોને પીરસવા માટે બોલાવવામાં આવ્યા હતાં. જેથી કેટરર્સની જગ્યાએ સંસ્થાને આડકતરી રીતે મદદ થઈ શકે.