
સુરત શહેરમાં રાજકીય તંત્રમાં ભારે ખળભળાટ મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયની બળાત્કારના ગંભીર આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી અંતર્ગત આરોપી આદિત્ય ઉપાધ્યાયની રીમાન્ડ મયકત કસ્ટડી પૂર્ણ થતાં તેમને સુરતની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમયે કોંગી કાર્યકરોએ દેખાવો કરતાં તેઓની અટકાયત પોલીસ દ્વારા કરાઈ હતી
નારેબાજી કરાઈ
આ સમગ્ર ઘટનાને લઈ શહેરમાં યુથ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસની જીપને રોકી નારેબાજી કરી હતી. “બળાત્કારી જલસા પાર્ટી હાય હાય” સાથે યુથ કોંગ્રેસે ભાજપના નેતાઓ વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ એવો આક્ષેપ કર્યો કે “આ હવે ભારતીય જનતા પાર્ટી નહીં રહી, પણ બળાત્કારી જલસા પાર્ટી બની ગઈ છે.”
પોલીસે કરી અટકાયત
પ્રદર્શન દરમિયાન સ્થિતિ તીવ્ર બનતાં સુરત પોલીસે કાર્યવાહી કરતાં વિરોધ કરનાર યુથ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા હતા. પોલીસે તેમને હટાવવા માટે બળપૂર્વક કાર્યવાહી પણ કરી હતી. યુથ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે આવા ગંભીર ગુનાઓમાં સામેલ લોકોએ ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષમાં સ્થાન ન હોવું જોઈએ અને પક્ષે સ્પષ્ટ અને પગલા લેવા જોઈએ. તેમણે માગ કરી છે કે આરોપી સામે કડકથી કડક કાયદાકીય પગલા લેવામાં આવે અને મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે.