
Ankleshwar News: ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એવામાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે અંકલેશ્વરમાંથી વધુ વીજબિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અંક્લેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જો કે ગતરોજ રાત્રીના સમયે DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ.6 લાખ 29 હજાર જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા.
આ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છે અમારી કોઈ ભુલ નથી - DGVCL
મકાન માલિકે જણાવ્યુ હતું, કે આટલી મોટી રકમ જોઈને મને એકદમ જ આંચકો લાગ્યો હતો. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કે, આ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છે અમારી કોઈ ભુલ નથી.
પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઉભો થાય છે કે સિસ્ટમ કામ કરે છે કે માનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જો કે DGVCLની આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે.