
સુરેન્દ્રનગરમાં સ્થાનિક લોકો ફરી એક વખત તંત્રના વિરોધમાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં સ્થાનિક લોકોએ સ્માર્ટ મીટરના વિરોધ પર ઉતરી આવ્યા છે. સ્માર્ટમીટર લગાવવા આવેલી PGVCLની ટીમને સ્થાનિક લોકો દ્વારા પરત કાઢવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં ગોકુલધામ સોસાયટીની મહિલાઓએ PGVCL વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓનો ઉધડો લીધો હતો.
PGVCની ટીમ ઘર માલિકોની પરવાનગી વિના સ્માર્ટમીટર લગાવવા લાગી
મળતી માહિતી પ્રમાણે, સ્થાનિક લોકો ઘરે ન હતા અને PGVCની ટીમ ઘર માલિકોની પરવાનગી વગર સ્માર્ટ મીટર લગાવવા લાગી હતી. એવામાં સ્થાનિકો દ્વારા પહેલા સ્માર્ટ સુવિધાઓ આપો પછી સ્માર્ટમીટર લગાવવાની માંગ કરાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિકોએ કહ્યું હતું કે, અમે સામાન્ય ઘરમાં રહીએ છીએ, અમારે સ્માર્ટ મીટરની કોઈ જરૂર જ નથી. અમારી પરવાનગી વિના તંત્રના માણસો અમારા ઘરે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલુ કરી હતી. સ્માર્ટ મીટરની કારખાના, ફેક્ટરી, શાળા, ઓફિસોમાં જરુર છે. સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટરને લઈ PGVCL અને સ્થાનિક લોકો વચ્ચે સતત ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે.