
સુરતમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલા ડીજીવીસીએલ કર્મચારી અને ખાનગી કંપનીના કામદારો પર ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરોલી પોલીસે દાદાગીરી કરનાર ચારેય ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં સ્માર્ટ મીટરના વિરોધમાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. કોસાડ વિસ્તારમાં સ્માર્ટમીટર લગાવવા ગયેલા ડીજીવીસીએલના કર્મચારી અને અલેથીયા નામની પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ પર ચાર શખ્સોએ હુમલો કરી કહ્યું હતું કે 'અહી બીજીવાર દેખાઈશ તો જીવતો નહીં રહેવા દવ'. આ હુમલામાં કર્મચારીઓને નાની મોટી ઇજા થઈ હતી. ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.