સુરત મહાનગરપાલિકા (SMC)ની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરના અઠવા ઝોનના અલથાણ વિસ્તારમાં ગટરના તૂટેલા ઢાંકણાંએ રાહદારીઓ માટે જીવલેણ જોખમ ઊભું કર્યું છે. વરસાદી માહોલ વચ્ચે ખુલ્લી કે તૂટેલી ગટરો ખીણ જેવું ભયજનક રૂપ ધારણ કરે છે, અને આ સ્થિતિ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી છે.
વચન કે માત્ર કાગળ પર?
ગત વર્ષે કતારગામ ઝોનમાં કેદાર નામના બાળકનું ખુલ્લી ગટરમાં પડવાથી થયેલું મૃત્યુ આજે પણ લોકોના મનમાં તાજું છે. ત્યારે SMC દ્વારા જાહેરમાં ઘોષણા કરવામાં આવી હતી કે, "શહેરમાં હવે કોઈ પણ ખુલ્લું અથવા તૂટેલું ગટર ઢાંકણું નહીં રહે." પરંતુ હકીકત એ છે કે આજે પણ અનેક વિસ્તારોમાં આવા જોખમો યથાવત્ જોવા મળે છે.
ઉભા થયા પ્રશ્નો
શું SMCનાં વાયદા માત્ર કાગળ પર જ રહી જાય છે? વસ્તી વિસ્તારમાં આવા તૂટેલા ઢાંકણાંથી કોઈ બાળક કે વરિષ્ઠ નાગરિક સાથે અકસ્માત સર્જાય તો જવાબદારી કોણ લેશે? એક ઘટના બાદ પણ પાટીયા અને પ્રેસનોટની બહાર શું વાસ્તવિક કામગીરી થઈ છે? અલથાણ વિસ્તારના રહેવાસીઓએ આ સમસ્યાની અનેક વખત ફરિયાદ કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ હજુ સુધી કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે "અમે ટેક્સ ભરીએ છીએ, સુરક્ષાની માંગ કરવી અયોગ્ય નથી."