Last Update :
23 Jul 2024
- નાગણ નોકરી
ના ના, ઉપર લખ્યું એ અમુકતમુકસમુક બેંકના સર્વર ઠપ્પ થવાની વાતો નથી. આ તો બાપ કા બાપ સર્વર જે ઠપ્પ થયું ને વિન્ડોઝ વાપરતા નાગણ નોકરિયાતો માટે જાણે મીની દિવાળી આવી ગઈ. વિન્ડોઝ ન વાપરતા હોય ને દરવાજા વાપરતા હોય એમને જો કે આ લાભ મળ્યો નહોતો. જેટલા ઘરમાં અથાણાં ન હોય એટલા દર મિનિટે મિમ બન્યા. લોકોએ મીઠાઈઓ ખાઈને ઉજવણી કરી. કેટલીયે બેંક, એરપોર્ટ ને શેર માર્કેટના કાર્યો ખોરવાઈ ગયા પણ મૂળ વાત એ હતી કે લોકો ખુશ હતા, ખૂબ ખુશ હતા. આજે ફરી એ સાબિતી મળે છે કે નોકરી નાગણ કેમ કહેવાય છે. છ આંકડામાં પગાર હોય કે ફાઈવ ડેયઝ અ વીક વાળી નોકરી હોય, નોકરી એ નોકરી. નાગણ નોકરી.
છોકરાઓને કદાચ ઓછો ખ્યાલ હોય પણ છોકરીઓ પાર્લરમાં આઈબ્રોઝ કરાવવા જાય ને જો હજુ પેલી દોરા પદ્ધતિ વડે આઈબ્રોઝ થતી હોય તો ખબર પડે કે પાર્લર વાળી આઈબ્રો કરતાં કરતાં એક બે સેકન્ડ માટે રોકાઈ જાય. કારણ? એનો દોરો તૂટી ગયો હોય. ફરી એ દોરો હાથમાં લે ને ગોઠવે એ ત્રણ સેકંડ માટે જે રાહત મળે એ તમને નહિ સમજાય છીછોરા છોકરાઓ!!
બસ નોકરીનું પણ આવું જ છે. બોસ કુદરતી હાજતે જાય તો ય પાંચ મિનિટ રાહતનો શ્વાસ મળે. એને ડાયરીઆ થાય એમાં અંદરથી ખુશી ન જ થાય પણ માનવ સહજ, નોકરિયાત સહજ સ્વભાવ છે કે મારો બેટો કે બેટી એક દિવસ નહિ આવે તો શાંતિ મળશે. પછી ભલે એ દિવસે રોજ કરતા વધુ કામ કરવું પડે પણ માથે સાસુ જેવું કચકચિયું કોઈ હોય નહિ એ લાગણી અતિ ઉત્તમ છે.
સર્વર ડાઉન થવાથી અમુક પ્રકારનું નુકસાન પણ થયું. એની સામે હજારો કર્મચારીઓએ જે જલસા કર્યા એ પૈસા વસૂલ છે. તમે વિચારો કે નોકરીમાંથી રાહત મળે એ માટે નોકરી કરતા લોકોની માનસિકતા કઈ હદ સુધી બગડી ગઈ હોય છે કે આર્થિક કે બીજું નુકસાન થાય છતાં કામ કરવામાંથી કે ટાર્ગેટ પ્રેશરમાંથી મુક્તિ મળે એ એનાં જીવને કેટલી શાતા આપે છે.
એમાં વાંક નોકરિયાત જીવનો નથી. એનો તો જીવ જ ટૂંકો થઈ ગયો હોય છે કે એ આટલા મોટા વ્યવહારો ઠપ્પ થવામાં ફક્ત પોતાની ખુશી જોઈ શકે છે. એને બિચારાને દેશ અને દુનિયામાં થતાં નુકસાન વિશે વિચારવાનો સમય કે મૂડ રહેતો જ નથી. રાજા કરતાં ય ઑફિસમાં બેસીને કામ ન કરવાની મઝા અલગ જ લેવલનો સંતોષ આપે છે. ધંધાદારીઓ માટે આવી મોજ કરવી મુશ્કેલ છે. એમને અલગ લેવલનો સ્ટ્રેસ હોય છે પાછો.
તમે જ કહો. શું ભૂલ આમાં નોકરી કરતા માણસની? શું બિચારો એક દિવસ માટે રાજી પણ ન રહે? એને ખુશી મળે અમુક કલાકોની એમાં અમુક કરોડોનું નુકસાન દેશ અને દુનિયા સહન ન કરી શકે શું? એ તો બિચારો આ ખુશી માટે એક દિવસનો પગાર પણ જતો કરી દેશે. એને રાહત મળે એ માટે એ ચુલ્લુભર સેલેરીમાંથી ભાગ આપવા પણ તૈયાર છે. તો ય કોઈ કંપની એની ખુશી માટે પ્રયત્નો કરવાને બદલે એને ટ્રેનિંગ આપશે કે તું સુધરી જા ભાઈ/બહેન!!
ટ્રેનિંગ વાળો મુદ્દો બહુ મોટો છે જેની વાત આવતા લેખમાં કરીશું. પણ સુધારવાનું નોકરીયાતના ભાગે જ આવે કેમકે કંપની તો સંપૂર્ણ છે ને બોસ તો ઓલમોસ્ટ ભગવાન જેવો કહેવાય. એનામાં એ બધા ગુણો છે જે ઈશ્વરમાં હોય. વફાદારી, કર્મનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, બીજાને ઊંચા લાવવાની જવાબદારી વગેરે વગેરે ગુણોથી ભરપૂર. ઘઉંની ગુણો અધૂરી હોય પણ મેનેજરના ગુણો ક્યારેય ઓછા ન હોય!! સર્વર ડાઉન થાય તો એને પરસેવો છૂટી જાય જાણે કંપનીનો આર્થિક બોજો એનાં પગારમાંથી નીકળવાનો હોય.
હે માઇક્રોસોફ્ટ દેવતા, તમે જેવા કર્મચારીઓને ફળ્યા એવા સૌને ફળજો. તમે જેવી ખુશી નોકરિયાતોને આપી એવી સૌને આપજો. ભગવાન તમને પત્નીના ત્રાસથી બચાવે. તમારા થકી થયેલા નુકસાનનું પાપ અમ કર્મચારીઓને લાગે બસ, પણ તમે આવું રૂપ મહિને એકાદ વખત દેખાડો એવી અભ્યર્થના. ને તમારા અન્ય સૉફ્ટવેર ભાઈઓને પણ આ વિનંતી પહોંચાડજો.
- સ્નેહલ તન્ના
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.