
ગુજરાતમાં જાણે નકલી વ્યાવસાયિકો ઝડપાવાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે તેમ હવે ફરીથી એક નકલી ડોક્ટર આણંદમાંથી ઝડપાયો છે. આણંદ જિલ્લાના તારાપુરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ બોગસ ડોક્ટર તારાપુરમાં ગેરકાયદેસર દવાખાનું ચલાવી રહ્યો હતો.
માહિતી મળતાં SOG પોલીસે મેડિકલ ઓફિસરને સાથે રાખી રેડ પાડી
મળતી માહિતી પ્રમાણે, આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં જાલ્લા ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ નલકી ડોક્ટર દ્વારા દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની માહિતી મળતાં SOG પોલીસે રેડ પાડી હતી. ગત રોજ સાંજે એસ ઓ જી દ્વારા મેડિકલ ઓફિસરને સાથે રાખી રેડ કરવામાં આવી હતી.
ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટર વિપુલકુમાર નગરબાસી બિશ્વાસને ઝડપી લેવાયો છે, જે મૂળ પશ્ચિમ બંગાળના પુરબાનોપુરમાં મલેકવાડાનો રહેવાસી છે. છેલ્લા ઘણા સમયથી આરોપી વિપુલકુમાર બિશ્વાસ પોતાના કબજાનું દવાખાનું કોઇપણ સમકક્ષ સંસ્થા એટલે કે ગુજરાત મેડીકલ કાઉન્સીલના રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે ચલાવતો હતો.
મુદ્દામાલ જપ્ત કરી કલમ 30, 35 મુજબ ગુનો નોંધ્યો
પોલીસે સ્થળ ઉપરથી દવાઓ, સાધન સામગ્રી સહિત રૂપિયા ૧૦,૬૬૯નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તારાપુર પોલીસ દ્વારા બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30, 35 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.