
ટીમ ઈન્ડિયા આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસ પર જશે, જ્યાં 20 જૂનથી 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સિરીઝ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બે દિગ્ગજ ખેલાડીઓએ સંન્યાસની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ થોડા સમય પહેલા અશ્વિને પણ ટેસ્ટને અલવિદા કહી દીધું હતું. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર જે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર હતો. હવે તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમમાં સામેલ કરી શકાય છે. ઠાકુરે ઘરેલુ ક્રિકેટ અને આ સિઝનની IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે, ઠાકુરે છેલ્લે 2023માં સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટ રમી હતી.
ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન
રણજી ટ્રોફીમાં શાર્દુલ ઠાકુર મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી એક છે. તેણે મુંબઈ માટે રેડ-બોલ ટૂર્નામેન્ટમાં 35 વિકેટ લીધી અને 505 રન પણ બનાવ્યા હતા. આ સાથે જ IPLમાં LSG માટે 9 મેચમાં 12 વિકેટ ઝડપી, તે ટીમનો પ્રમુખ વિકેટ-ટેકર બનીને ઉભરી આવ્યો હતો.
18 મહિના બાદ ટેસ્ટમાં વાપસીની તક
એક અહેવાલ પ્રમાણે આ શાનદાર પ્રદર્શનના કારણે 33 વર્ષીય શાર્દુલ ઠાકુરને લગભગ 18 મહિના બાદ ટેસ્ટમાં વાપસીની તક મળી શકે છે. ઈંગ્લેન્ડની પિચો સામાન્ય રીતે સીમર્સને મદદ કરે છે, તેથી શાર્દુલ પાસે ફરીથી પોતાને સાબિત કરવાની સુવર્ણ તક છે.
શાર્દુલે છેલ્લી વખત 2021માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમી હતી. તેણે 3 ટેસ્ટમાં 8 વિકેટ લીધી હતી અને 122 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદી સામેલ હતી.
શ્રેયસ અય્યરની વાપસી મુશ્કેલ
બીજી તરફ શાર્દુલ ઠાકુરના મુંબઈ ટીમના સાથી શ્રેયસ અય્યરની ટેસ્ટ ટીમમાં વાપસીની શક્યતા હજુ પણ ઘણી ઓછી દેખાઈ રહી છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને આ સિઝનમાં પંજાબ કિંગ્સ (PBKS) માટે IPLમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. તેમ છતાં ટીમમાં પહેલેથી જ ઘણા ખેલાડીઓ હાજર હોવાથી તેના માટે વાપસી કરવી મુશ્કેલ બની શકે છે.