
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહિલા ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 30 માર્ચે, BCCI પુરૂષ ટીમ માટે પણ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરવાનું હતું. પરંતુ આ પહેલા બોર્ડે ગુવાહાટીમાં હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર સાથે મીટિંગનું આયોજન કર્યું હતું. કોન્ટ્રાક્ટને અંતિમ સ્વરૂપ આપવા ઉપરાંત, જૂનમાં શરૂ થનારા ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારીઓ પર ચર્ચા થવાની હતી. આ સિવાય રોહિત શર્માના ભવિષ્ય અંગે નિર્ણય લેવાનો હતો. પરંતુ BCCIની આ મહત્ત્વપૂર્ણ બેઠક મુલતવી રાખવામાં આવી છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે આ બેઠક ક્યારે થશે.
આ બે ખેલાડીઓની થશે એન્ટ્રી
BCCIના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા સાથે જસપ્રીત બુમરાહ A+ કેટેગરીમાં રહી શકે છે. રોહિત, કોહલી અને જાડેજા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. આમ છતાં, એવી અપેક્ષા છે કે તેમને આ કેટેગરીમાં રાખવામાં આવશે. જોકે, બોર્ડના સભ્યોમાં હજુ સુધી આ અંગે કોઈ સર્વસંમતિ નથી. આ વખતે, બે ખેલાડીઓ કોન્ટ્રાક્ટમાં એન્ટ્રી કરશે.
આમાં પહેલું નામ શ્રેયસ અય્યરનું છે, જેને ગયા વર્ષે કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ ઘરેલુ ક્રિકેટ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શન બાદ, તે હવે વાપસી કરી શકે છે. તેના ઉપરાંત, ટીમ ઈન્ડિયાના મિસ્ટ્રી સ્પિનર અને ચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વરુણ ચક્રવર્તીને પણ પહેલીવાર BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવી શકે છે. તેણે તાજેતરમાં T20 અને ODIમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
રોહિત પર નિર્ણય લેવાનો હતો
ભારતીય કેપ્ટન રોહિત શર્માના ટેસ્ટ ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્માએ IPL 2025 પછી ઈંગ્લેન્ડમાં યોજાનારી 5 મેચની ટેસ્ટ સિરીઝમાં જવાનો ઇનકાર કરી દીધો છે. દાવા મુજબ, રોહિતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ખરાબ પ્રદર્શનને કારણે ઈંગ્લેન્ડ ન જવાનો નિર્ણય લીધો છે. જોકે, આ વાતની કોઈ પુષ્ટિ નથી, કારણ કે તેના કિસ્સામાં પહેલા પણ ઘણા દાવા ખોટા સાબિત થયા છે. રોહિતની અનિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, BCCI હવે ભાવિ કેપ્ટનની શોધમાં છે અને તેના ભવિષ્ય અંગેનો નિર્ણય પણ આ મીટિંગમાં લેવાનો હતો. BCCIની આ મીટિંગ હવે ક્યારે થશે તે અંગે કોઈ જાહેરાત નથી કરવમાં આવી.