
નવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં, યુવા ભારતીય ટેસ્ટ ટીમ ઈતિહાસ રચવા માટે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 20 જૂનથી લીડ્સના મેદાન પર શરૂ થશે. આ વખતે ઈંગ્લેન્ડ સામેની આ 5 ટેસ્ટ મેચ સિરીઝમાં, ટીમ ઈન્ડિયા રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના રમશે, કારણ કે આ બંને ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. એવામાં નવા કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર માટે આ પ્રવાસ અગ્નિપરીક્ષા સમાન છે. ઈંગ્લેન્ડનો પ્રવાસ હંમેશા ભારત માટે પડકારજનક રહ્યો છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે શું ટીમ ઈન્ડિયા 18 વર્ષ પછી ઈંગ્લેન્ડમાં સિરીઝ જીતી શકશે કે નહીં?
ભારત માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ પડકારજનક
ભારતે 2007માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ઈંગ્લેન્ડમાં છેલ્લી ટેસ્ટ સિરીઝ 1-0થી જીતી હતી. તે પછી, ભારતીય ટીમે ચાર વખત ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. પરંતુ ભારતે એક પણ સિરીઝ જીતી નથી. ખાસ વાત એ છે કે ગૌતમ ગંભીર પણ તે પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો.
ઈંગ્લેન્ડ પ્રવાસમાં ધોની અને કોહલી પણ સિરીઝ નથી જીતી શક્યા
યીમ ઈન્ડિયા એ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં 2011 અને 2014માં બે વાર ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. બંને વખત ટીમ ઈન્ડિયા સિરીઝ હારી ગઈ હતી. ટીમ ઇન્ડિયાએ 2018 અને 2022માં વિરાટ કોહલીના નેતૃત્વમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. 2018માં, ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી, જ્યારે 2022ના પ્રવાસમાં, ટીમ ઈન્ડિયા એ પટૌડી ટ્રોફી (હવે તેંડુલકર-એન્ડરસન ટ્રોફી) ડ્રો કરી હતી.
નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ સામે એક મોટો પડકાર
- 2011માં ટીમ ઈન્ડિયા 4 ટેસ્ટની ટેસ્ટ સિરીઝ 0-4થી હારી હતી.
- 2014માં ટીમ ઈન્ડિયા 5 મેચની ટેસ્ટ સિરીઝ 1-3થી હારી હતી.
- 2018માં ટીમ ઈન્ડિયા 5 મેચની ટેસ્ટ સિરીઝ 1-4થી હારી હતી.
- 2022માં ભારતે 5 ટેસ્ટની સિરીઝ 2-2થી બરાબર કરી હતી.
ટીમ ઈન્ડિયામાં પ્રતિભાશાળી ખેલાડીઓ છે, પરંતુ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટ રમવું હંમેશા મુશ્કેલ રહ્યું છે. સ્વિંગ અને સીમ બોલનો પડકાર, પીચ પર ઉછાળો અને ઈંગ્લેન્ડના બોલરોનો અનુભવ, આ બધું જ ભારતના બેટર માટે અગ્નિપરીક્ષા સમાન છે. તેમજ શુભમન ગિલ પર પણ બેટિંગ તેમજ કેપ્ટનશિપનું પ્રેશર રહેશે. તેને ઈંગ્લેન્ડમાં રમવાનો બહુ અનુભવ નથી. ઈંગ્લેન્ડમાં, તેણે 2021-2023 વચ્ચે 3 ટેસ્ટની 6 ઈનિંગ્સમાં 88 રન બનાવ્યા છે. જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 28 હતો.
ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનો ઈતિહાસ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કુલ 136 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ભારત 35 મેચ, ઈંગ્લેન્ડ 51 મેચ જીત્યું અને 50 મેચ ડ્રો થઈ છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કુલ ટેસ્ટ (ઈંગ્લેન્ડમાં)
કુલ ટેસ્ટ: 67, ભારત જીત્યું: 9, ઈંગ્લેન્ડ જીત્યું: 36, ડ્રો: 22
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે કુલ ટેસ્ટ (ભારતમાં)
કુલ ટેસ્ટ: 69, ભારત જીત્યું: 26, ઇંગ્લેન્ડ જીત્યું: 15, ડ્રો: 28.