
ODI World Cup 1975માં શરૂ થયો હતો. 1975માં વર્લ્ડ કપની પહેલી મેચ આજના દિવસે એટલે કે 7 જૂનના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. પહેલી જ મેચમાં ભારતને ઈંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સુનીલ ગાવસ્કરનું નામ શરમજનક પ્રદર્શનની યાદીમાં ઉમેરાઈ ગયું હતું.
7 જૂનથી 21 જુલાઈ 1975 દરમિયાન ઈંગ્લેન્ડમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. આ 8 ટીમોને ચાર-ચારના ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે મેચ 60-60 ઓવરની હતી. તે સમયે ખેલાડીઓ રંગીન જર્સીને બદલે વ્હાઈટ ડ્રેસ પહેરતા હતા. ત્યારે બધી મેચ દિવસ દરમિયાન યોજાતી હતી.
8 ટીમોએ ભાગ લીધો
પહેલા ગ્રુપમાં યજમાન ઈંગ્લેન્ડ સહીત ન્યુઝીલેન્ડ, ભારત અને પૂર્વ આફ્રિકાની ટીમોનો સમાવેશ થતો હતો. બીજા ગ્રુપમાં વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થતો હતો. આ વર્લ્ડ કપની પહેલી મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી.
આ મેચ એટલા માટે પણ યાદ કરવામાં આવે છે કારણ કે મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે આખી 60 ઓવર બેટિંગ કરી અને ફક્ત 36 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેમણે ફક્ત એક ફોર ફટકારી હતી. તેમની ધીમી ઈનિંગ માટે તેમની ઘણી ટીકા થઈ હતી.
ડેનિસે પહેલી સદી ફટકારી હતી
ઈંગ્લેન્ડે લોર્ડ્સના મેદાન પર પ્રથમ બેટિંગ કરી અને 60 ઓવરમાં 4 વિકેટે 334 રન બનાવ્યા હતા. ડેનિસ એમિસે 137 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ODI વર્લ્ડ કપની પહેલી સદી હતી. જવાબમાં, ભારત 60 ઓવરમાં 3 વિકેટે ફક્ત 132 રન બનાવી શક્યું હતું.
સુનીલ ગાવસ્કરે 174 બોલનો સામનો કર્યો અને એક ફોરની મદદથી ફક્ત 36 રન બનાવ્યા હતા. આ જ મેચમાં ગુંડપ્પા વિશ્વનાથે ફક્ત 59 બોલનો સામનો કરીને સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. એવું કહેવાય છે કે ગાવસ્કરે ODI ક્રિકેટનો વિરોધ કરવા માટે આટલી ધીમી ઈનિંગ રમી હતી.
શ્રીનિવાસ વેંકટરાઘવન કેપ્ટન હતા
આ વર્લ્ડ કપમાં શ્રીનિવાસ વેંકટરાઘવન ભારતના કેપ્ટન હતા. પહેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ફક્ત એક જ મેચ જીતી હતી. ભારતે પૂર્વ આફ્રિકા સામેની મેચ 10 વિકેટથી જીતી હતી. આ મેચમાં સુનીલ ગાવસ્કરે 86 બોલમાં 65 રનની અણનમ ઈનિંગ રમી હતી અને ઈનિંગમાં 9 ફોર ફટકારી હતી.
2023 સુધીના ODI વર્લ્ડ કપ વિજેતા
વર્ષ | યજમાન | વિજેતા | રનર અપ |
1975 | ઈંગ્લેન્ડ | વેસ્ટ ઈન્ડીઝ | ઓસ્ટ્રેલિયા |
1979 | ઈંગ્લેન્ડ | વેસ્ટ ઈન્ડીઝ | ઈંગ્લેન્ડ |
1983 | ઈંગ્લેન્ડ | ભારત | વેસ્ટ ઈન્ડીઝ |
1987 | ભારત અને પાકિસ્તાન | ઓસ્ટ્રેલિયા | ઈંગ્લેન્ડ |
1992 | ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ | પાકિસ્તાન | ઈંગ્લેન્ડ |
1996 | પાકિસ્તાન અને ભારત | શ્રીલંકા | ઓસ્ટ્રેલિયા |
1999 | ઈંગ્લેન્ડ | ઓસ્ટ્રેલિયા | પાકિસ્તાન |
2003 | સાઉથ આફ્રિકા | ઓસ્ટ્રેલિયા | ભારત |
2007 | વેસ્ટ ઈન્ડીઝ | ઓસ્ટ્રેલિયા | શ્રીલંકા |
2011 | ભારત અને બાંગ્લાદેશ | ભારત | શ્રીલંકા |
2015 | ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ | ઓસ્ટ્રેલિયા | ન્યુઝીલેન્ડ |
2019 | ઈંગ્લેન્ડ અને વેલ્સ | ઈંગ્લેન્ડ | ન્યુઝીલેન્ડ |
2023 | ભારત | ઓસ્ટ્રેલિયા | ભારત |