
આ દિવસોમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો વિષય ચર્ચામાં છે, આ ટૂર્નામેન્ટ લાંબા સમય પછી વાપસી કરવા જઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિશ્વની આઠ ટીમો ભાગ લઈ રહી છે અને આ ટૂર્નામેન્ટ લગભગ 3 અઠવાડિયા સુધી ચાલશે. ચેમ્પિયન્સ ટ્રોફી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટમાંની એક હોવા છતાં, તેની તુલના ઘણીવાર વર્લ્ડ કપ સાથે કરવામાં આવે છે અને તેને મિની વર્લ્ડ કપ પણ કહેવામાં આવે છે. આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે જ્યારે વિશ્વની ટોપ ટીમો બંને ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે, તો પછી તેમની વચ્ચે શું તફાવત છે? અહીં તમને આ પ્રશ્નનો જવાબ મળશે.
ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ વચ્ચેનો તફાવત
વર્લ્ડ કપની વાત કરીએ તો, તેની શરૂઆત 1975માં થઈ હતી અને ત્યારબાદ ICC દર ચાર વર્ષે તેનું આયોજન કરી રહ્યું છે. ક્રિકેટ વર્લ્ડ કપ એ વિશ્વની સૌથી વધુ જોવાયેલી સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટમાંથી એક છે, તેના લેટેસ્ટ એડિશનમાં, 10 ટીમોએ ભાગ લીધો હતો. બીજી બાજુ, જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ, તો તેમાં હંમેશા ફક્ત 8 ટીમોએ જ ભાગ લીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ વચ્ચે ટીમોની સંખ્યા મોટો તફાવત પાડે છે.
બંને ટૂર્નામેન્ટ વચ્ચેનો બીજો મોટો તફાવત એ છે કે ICC 1975થી દર ચાર વર્ષે વર્લ્ડ કપનું આયોજન કરે છે. બીજી બાજુ, ચેમ્પિયન્સ ટ્રોફી 1998માં શરૂ થઈ હતી, પરંતુ વર્લ્ડ કપથી વિપરીત, તેના આયોજનમાં કોઈ સાતત્ય નથી રહ્યું. ચેમ્પિયન્સ ટ્રોફી ક્યારેક બે વર્ષ પછી, ક્યારેક ત્રણ વર્ષ પછી અને ક્યારેક ચાર વર્ષ પછી પણ યોજાઈ છે. આ વખતે ICC આઠ વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા જઈ રહ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, બંને ટુર્નામેન્ટના આયોજનનો સમયગાળો અલગ અલગ રહ્યો છે.
પ્રાઈસ મનીમાં મોટો તફાવત
ICC એ જાહેરાત કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના વિજેતાને લગભગ 19.46 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની મળશે. રનર-અપ ટીમને ઈનામ તરીકે લગભગ 9.73 કરોડ રૂપિયા મળશે. સેમીફાઈનલમાં હારનારી બંને ટીમને 4.8 કરોડ રૂપિયા આપવામાં આવશે અને આઠેય ટીમોને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા બદલ 1.09 કરોડ રૂપિયા આપવામાં આવશે.
બીજી બાજુ, 2023ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું, ત્યારે તેને 33.2 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની મળી અને રનર-અપ ભારતને 16.6 કરોડ રૂપિયા મળ્યા હતા. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે વર્લ્ડ કપની પ્રાઈઝ મની ચેમ્પિયન્સ ટ્રોફી કરતાં લગભગ દોઢ ગણી વધુ છે. તમને જણાવી દઈએ કે ભારત એવા થોડા દેશોમાંથી એક છે જેણે ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ બંને જીત્યા છે.