
એજબેસ્ટન ટેસ્ટમાં ભારતના 587 રનના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો હતો. હવે તમે વિચારી રહ્યા હશો કે 407 રન બનાવીને કોઈ ટીમ ઇતિહાસ કેવી રીતે રચી શકે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડને આટલા મોટા સ્કોર સુધી પહોંચાડવામાં ફક્ત બે બેટ્સમેનોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હેરી બુકે 158 રન બનાવ્યા હતા, તો બોજી તરફ જેમી સ્મિથે 184 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ બંને બેટ્સમેન વચ્ચે 303 રનની પાર્ટનરશિપ થઈ હતી, જ્યારે બાકીના બેટ્સમેન ફક્ત 105 રન જ ઉમેરી શક્યા હતા. અહીં નોંધનીય વાત એ છે કે ઈંગ્લેન્ડની આ ઈનિંગ દરમિયાન, 6 બેટ્સમેન પોતાનું ખાતું પણ નહતા ખોલી શક્યા અને 0 પર આઉટ થયા હતા.
ઈંગ્લેન્ડે રચ્યો ઈતિહાસ
આ રીતે, ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 6 કે તેથી વધુ બેટ્સમેન 0 પર આઉટ થયા હોવા છતાં 400થી વધુ રન બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. આજ સુધી કોઈ અન્ય ટીમ આવી સિદ્ધિ મેળવી શકી નથી.
અગાઉ આ રેકોર્ડ બાંગ્લાદેશના નામે હતો, જ્યારે તેણે 6 બેટ્સમેન 0 પર આઉટ થયા હોવા છતાં 365 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે 2022 શ્રીલંકા સામે આ સિદ્ધિ મેળવી હતી. તે મેચમાં, મુશફિકુર રહીમે 175 રનની અણનમ ઈનિંગ રમી હતી અને લિટન દાસે 141 રન બનાવીને તેને સાથ આપ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ માત્ર ટેસ્ટ ક્રિકેટમાં જ નહીં પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં, છત્તીસગઢનો કર્ણાટક સામે 6 કે તેથી વધુ બેટ્સમેન 0 પર આઉટ થવા છતાં 311 રન બનાવવાનો રેકોર્ડ હતો.
મેચની સ્થિતિ
મેચની વાત કરીએ તો, ત્રીજા દિવસની શરૂઆત ઈંગ્લેન્ડ માટે સારી નહતી, તેમની અડધી ટીમ 84 ના સ્કોર પર પવેલિયન પરત ફરી હતી. ત્યારે બધાને લાગ્યું કે ભારત યજમાન ટીમને ફોલો-ઓન પણ આપી શકે છે. પરંતુ પછી હેરી બુક અને જેમી સ્મિથે શાનદાર બેટિંગ સાથે છઠ્ઠી વિકેટ માટે 303 રનની પાર્ટનરશિપ કરી. ઈંગ્લેન્ડે 387ના સ્કોર પર હેરી બ્રુકના રૂપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી, ત્યારે ટીમ ઈન્ડિયાએ રાહતનો શ્વાસ લીધો અને આખી ટીમને 407 રનમાં ઓલઆઉટ કરી દીધી.
પ્રથમ ઈનિંગ પછી, ભારત પાસે 180 રનની લીડ હતી. ત્રીજા દિવસના અંત સુધીમાં, ટીમ ઈન્ડિયાએ 1 વિકેટના નુકસાન પર 64 રન બનાવી લીધા છે અને કુલ લીડ 244 રન થઈ ગઈ છે. ચોથા દિવસે, ભારત ઓછામાં ઓછા અઢી સેશન સુધી બેટિંગ કરવા માંગશે અને ટીમની નજર ઈંગ્લેન્ડને 500થી વધુ રનનો ટાર્ગેટ આપવા પર હશે.