
RCB સામે ચેન્નાઈની કારમી હારને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમાંથી એક સવાલ એમએસ ધોનીના બેટિંગ ઓર્ડરને લઈને પણ ઉઠી રહ્યો છે. આ મેચમાં ધોની નવમા નંબર પર બેટિંગ કરવા માટે આવ્યો હતો. હવે ફેન્સની સાથે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પણ આ અંગે સવાલ ઉઠાવ્યા છે. ઈરફાને આ અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, RCB એ 17 વર્ષ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સને તેના જ ગઢમાં હરાવ્યું છે. આ હાર બાદ CSKના ફેન્સ ખૂબ ગુસ્સે થયા છે. તમામનું કહેવું છે કે, ધોનીએ બેટિંગ ઓર્ડરમાં ઉપર આવવું જોઈતું હતું. જો તે ઉપર આવ્યો હોત તો શક્ય હતું કે ચેન્નાઈ આ મેચમાં વાપસી કરી શકી હોત.
દર્શકો થયા નિરાશ
RCB સામેની મેચમાં જ્યારે શિવમ દુબે આઉટ થયો, ત્યારે રવિચંદ્રન અશ્વિન બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો. તેનાથી સ્ટેડિયમમાં હાજર દર્શકોને ભારે નિરાશા થઈ. દર્શકોની સાથે ક્રિકેટ એક્સપર્ટ અને પૂર્વ ક્રિકેટરોએ પણ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું. પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે X પર પોસ્ટ કરતા લખ્યું કે, 'હું ક્યારેય ધોનીના નંબર નવ પર બેટિંગ કરવાના પક્ષમાં નથી. આ બિલકુલ પણ ટીમના હિતમાં નથી.' ઈરફાન પઠાણની આ પોસ્ટ પર ઘણી ચર્ચા થઈ. કેટલાક યૂઝર્સે ધોનીના નિર્ણયનો બચાવ કર્યો. તો બીજી તરફ કેટલાક લોકોએ આ માટે ધોનીને ખૂબ ખરી-ખોટી સંભળાવી રહ્યા છે.
https://twitter.com/IrfanPathan/status/1905668579560931769
CSK ફ્લોપ રહી
નોંધનીય છે કે RCB સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો. આવી સ્થિતિમાં ચેન્નાઈના ફેન્સને ધોની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. જ્યારે શિવમ દુબે આઉટ થયો ત્યારે બધાને લાગ્યું કે હવે ધોની મેદાનમાં ઉતરશે. તે સમયે જરૂરી રન રેટ 15ની આસપાસ હતી અને એવી અપેક્ષા હતી કે ધોની પોતાની આક્રમક બેટિંગથી મેચને CSKની તરફેણમાં ફેરવી દેશે. તેના થોડા સમય પહેલા જ ધોની ટીવી સ્ક્રીન પર પણ આવ્યો હતો, જેમાં તે ગ્લોવ્ઝ પહેરીને અને હાથમાં બેટ લઈને પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેના કારણે લોકોએ અનુમાન લગાવ્યું કે આગામી વિકેટ પડવા પર ધોની જ બેટિંગ કરવા આવશે.
ધોનીએ શું કર્યું
RCB દ્વારા આપવામાં આવેલા 197 રનના ટાર્ગેટ સામે ચેન્નાઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ચેન્નઈએ પ્રથમ બે ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. નવમી ઓવરમાં સેમ કરન લિયામ લિવિંગસ્ટોનના બોલ પર કૃણાલ પંડ્યાના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. બીજા છેડે સતત વિકેટો પડતી રહી હતી, જેના કારણે રવિન્દ્ર (41) પર દબાણ આવ્યું અને 13મી ઓવરમાં યશ દયાલે તેને આઉટ કર્યો. દયાલે તે જ ઓવરમાં શિવમ દુબે (19) ને પણ આઉટ કર્યો. ત્યારબાદ ચેન્નાઈએ ધોનીની જગ્યાએ આર. અશ્વિનને મોકલ્યો, જેના પર બધા હેરાન રહી ગયા. છેલ્લે ધોની 16 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 30 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે IPLના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવવાનો સુરેશ રૈનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.