
ગઈકાલ (28 માર્ચ) નો દિવસ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે ખૂબ જ ખાસ હતો, કારણ કે રજત પાટીદારની કેપ્ટનશિપ હેઠળ, RCB ટીમે તે કર્યું જે વિરાટ કોહલી અને અનિલ કુંબલે જેવા ઘણા મહાન કેપ્ટનો પહેલા નહતા કરી શક્યા. હકીકતમાં, RCB એ 17 વર્ષ પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો કિલ્લો તોડ્યો અને ચેપોક ખાતે 50 રનથી શાનદાર જીત મેળવી. RCB 6155 દિવસ પછી આ મેદાન પર CSK સામે જીતી છે. આ પહેલા, RCB રાહુલ દ્રવિડની કેપ્ટનશિપમાં જ આ સિદ્ધિ મેળવી શકી હતી.
6 મહાન કેપ્ટન ફેલ થયા
રજત પાટીદાર પહેલા, 7 દિગ્ગજ ખેલાડીઓએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ આમાંથી ફક્ત રાહુલ દ્રવિડ જ ચેન્નાઈ સુપર કિંગ્સને તેના હોમ ગ્રાઉન્ડમાં હરાવવામાં સફળ રહ્યો હતો. તેના પછી, ચેપોકમાં કોઈ પણ કેપ્ટન CSKને હરાવી મથી શક્યો. દ્રવિડ પછી, કેવિન પીટરસન, અનિલ કુંબલે, ડેનિયલ વેટ્ટોરી, શેન વોટસન, વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ જેવા દિગ્ગજ ખેલાડીઓએ ટીમની કમાન સંભાળી હતી. પરંતુ ચેન્નાઈને તેના ઘરઆંગણે હરાવવામાં કોઈ સફળ નહતું રહ્યું. છેલ્લા 17 વર્ષમાં, RCB ચેપોક ખાતે CSK સામે ફક્ત 1 મેચ જીતી શક્યું છે. જ્યારે ચેન્નાઈએ 8 મેચ જીતી હતી.
હવે રજત પાટીદારની કેપ્ટનશિપ હેઠળ, તેણે અહીં બીજી જીત મેળવી છે. પાટીદારની કેપ્ટનશિપમાં, બેંગલુરુએ ચેન્નાઈને તેના હોમ ગ્રાઉન્ડમાં 50 રનના મોટા માર્જિનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 20 ઓવરમાં 196 રન બનાવ્યા હતા. જેને ચેઝ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 146 રન જ બનાવી શકી. આ સમયગાળા દરમિયાન, પાટીદારની કેપ્ટનશિપ જોવા જેવી હતી. તેણે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ દરેક જગ્યાએ આક્રમક શૈલી બતાવી હતી.
છેલ્લી જીત 21 મે 2008ના રોજ મળી હતી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ છેલ્લે 21 મે 2008ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સને તેના હોમ ગ્રાઉન્ડમાં હરાવ્યું હતું. ટૂર્નામેન્ટની પહેલી સીઝનની 46મી મેચમાં, બંને ટીમો ચેપોક ગ્રાઉન્ડ પર ટકરાઈ હતી. RCBના કેપ્ટન રાહુલ દ્રવિડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી અને ટીમે 8 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. આ દરમિયાન રાહુલ દ્રવિડે 39 બોલમાં 47 રન બનાવ્યા હતા.
પ્રવીણ કુમારે 11 બોલમાં 21 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલી આ મેચમાં માત્ર 10 રન બનાવી શક્યો હતો. જવાબમાં, CSK 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ફક્ત 112 રન જ બનાવી શક્યું અને 14 રનથી હારનો સામનો કરવો પડ્યો. અનિલ કુંબલે મેચનો હીરો બન્યો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 14 રન આપીને 3 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.