
ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝન ઘણા ખેલાડીઓ માટે શાનદાર રીતે શરૂ થઈ છે. સ્ટાર ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ પણ તેમાંથી એક છે, જેના માટે ટૂર્નામેન્ટની શરૂઆત સુખદ સાબિત થઈ છે. પરંતુ રાહુલ માટે, આ શાનદાર શરૂઆત મેદાનની અંદર નહીં પણ મેદાનની બહાર થઈ છે કારણ કે ટૂર્નામેન્ટ શરૂ થતાં જ તેને તેની પુત્રીના જન્મના સારા સમાચાર મળ્યા હતા. આ સુંદર શરૂઆત પછી, રાહુલ હવે મેદાન પર પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે અને ટૂંક સમયમાં દિલ્હી કેપિટલ્સમાં પરત ફરવાનો છે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર રાહુલ 24 માર્ચે પિતા બન્યો હતો. તેની પત્ની આથિયા શેટ્ટીએ એક પુત્રીને જન્મ આપ્યો છે. ફેબ્રુઆરી 2023માં લગ્ન કરનાર આ કપલને પહેલીવાર આ ખુશી મળી છે. આવી સ્થિતિમાં, રાહુલ આ ખાસ પ્રસંગે તેની પત્ની સાથે રહેવા માંગતો હતો. આ કારણે, તેને દિલ્હી કેપિટલ્સની પહેલી મેચમાંથી રજા આપવામાં આવી હતી. દિલ્હી કેપિટલ્સે તેની પહેલી મેચ 24 માર્ચ, સોમવારના રોજ રમી હતી, જ્યારે રાહુલ તેના એક દિવસ પહેલા જ ઘરે પરત ફર્યો હતો.
બીજી મેચથી વાપસી કરશે
હવે તેની પત્ની અને પુત્રી સાથે થોડો સમય વિતાવ્યા પછી, રાહુલ ફરીથી મેદાનમાં પાછો ફરવા માટે તૈયાર છે. એક અહેવાલ મુજબ, રાહુલ, જે છેલ્લા કેટલાક સમયથી બેસ્ટ ફોર્મમાં છે, તે દિલ્હી કેપિટલ્સની બીજી મેચથી પાછો ફરશે. દિલ્હીનો આગામી મુકાબલો 30 એપ્રિલે વિશાખાપટ્ટનમમાં છે. આ વખતે ટીમનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થશે, જેણે તેની પહેલી જ મેચમાં શાનદાર જીત નોંધાવી હતી અક્ષર પટેલની કેપ્ટનશિપ હેઠળની દિલ્હીની ટીમે પણ રોમાંચક રીતે મેચ જીતી હતી. પરંતુ બીજી મેચ તેના માટે પહેલી મેચ કરતા વધુ પડકારજનક સાબિત થશે અને આવી સ્થિતિમાં રાહુલની વાપસી તેની તાકાત વધારી શકે છે.
શું નવી ટીમ માટે કમાલ કરશે?
અત્યાર સુધી, IPL 2025ની શરૂઆત સારી રહી છે, ખાસ કરીને તે ખેલાડીઓ માટે જેમણે છેલ્લી સિઝન પછી પોતાની ટીમ બદલી હતી. શ્રેયસ અય્યર, આશુતોષ શર્મા, કૃણાલ પંડ્યા, ઈશાન કિશન જેવા ખેલાડીઓએ પોતાની પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વખતે કેએલ રાહુલ પણ નવી ટીમનો ભાગ છે. છેલ્લી 3 સિઝનથી લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશિપ કર્યા પછી, રાહુલ આ વખતે દિલ્હી સાથે જોડાયો છે. દિલ્હીએ તેને મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે રાહુલ, અન્ય ખેલાડીઓની જેમ, નવી સિઝનની મજબૂત શરૂઆત કરવા માંગશે.