
IPL 2025ના પ્લેઓફ માટે ચાર ટીમો કન્ફર્મ થઈ ગઈ છે. લીગ સ્ટેજ 27 મે સુધી ચાલુ રહેશે, પરંતુ તે પહેલા જ નક્કી થઈ ગયું છે કે કઈ છ ટીમો IPL માંથી બહાર થઈ ગઈ છે અને કઈ ચાર ટીમો હવે ટાઈટલ માટે પોતાનો દાવો રજૂ કરશે. દરમિયાન, જો તમને લાગે કે બાકીની સાત લીગ મેચ કંટાળાજનક બની ગઈ છે, તો તમને જણાવી દઈએ કે સાચી જંગ તો હવે શરૂ થશે.
GT, RCB, PBKS અને MIની ટીમો IPL પ્લેઓફમાં પહોંચી
હવે ગુજરાત ટાઈટન્સ (GT), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPL 2025નો ખિતાબ જીતવાનો દાવો કરશે. પરંતુ આ ચારેય ટીમોની અગ્નિપરીક્ષા અહીં સમાપ્ત નથી થતી. હવે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ 2માં રહેવાની લડાઈ શરૂ થશે. જે આગળ પણ ચાલુ રહેશે. જો આપણે વર્તમાનની વાત કરીએ તો, ગુજરાત ટાઈટન્સ (GT) ના 12 મેચ રમ્યા બાદ 18 પોઈન્ટ છે અને ટીમ પ્રથમ સ્થાને છે. RCB અને PBKSના 17-17 પોઈન્ટ સમાન છે. પરંતુ નેટ રન રેટના કારણે RCBની ટીમ બીજા સ્થાને અને PBKSની ટીમ ત્રીજા સ્થાને છે. RCBની નેટ રન રેટ PBKS કરતા સારી છે. જો આપણે ચોથી ટીમની વાત કરીએ તો MIની ટીમ 13 મેચમાંથી 8 જીત સાથે પોઈન્ટ્સ ટેબલ પર ચોથા સ્થાને છે.
હવે પ્રથમ અને બીજા સ્થાન માટે લડાઈ થશે
હવે અહીંથી, GT, RCB અને PBKS પાસે બે-બે મેચ બાકી છે, જ્યારે MIની ફક્ત એક જ મેચ બાકી છે. એટલે કે જો MI તેની છેલ્લી મેચ જીતે છે તો તેની પાસે 18 પોઈન્ટ સુધી પહોંચવાની તક પણ રહેશે. આવી સ્થિતિમાં, આગામી મેચો ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને જે ટીમો હવે બહાર થઈ ગઈ છે, તેઓ ટોપ ચાર ટીમોની રમત બગાડવાનો પ્રયાસ કરશે.
ટોપ 2 ટીમને થાય છે ફાયદો
IPLના પોઈન્ટ્સ ટેબલમાં જે પણ ટીમ પ્રથમ અને બીજા સ્થાને રહે છે તેને ફાઈનલમાં પહોંચવાની બે તકો છે. IPLનો લીગ સ્ટેજ પૂરો થયા પછી, પહેલી ક્વોલિફાયર મેચ ટોપ 2 ટીમો વચ્ચે રમાય છે. જે ટીમ જીતે છે તે સીધી ફાઈનલમાં જાય છે, પરંતુ જે ટીમ હારે છે તે બહાર નથી થતી. બીજી ક્વોલિફાયર મેચમાં તેને ફરીથી તક મળે છે. જ્યારે ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમો હારતાની સાથે જ બહાર થઈ જાય છે. આવી સ્થિતિમાં, ટોપ 2 ટીમો પાસે ટાઈટલ જીતવાની વધુ તક છે. આ જ કારણ છે કે કોઈપણ ટીમ ફક્ત પ્લેઓફમાં પહોંચીને ખુશ નથી થતી. ટીમ ટોપ 2માં પહોંચે તે માટે અંત સુધી લડાઈ ચાલુ રહે છે. હવે જોવાનું એ છે કે આ વર્ષે કઈ ટીમો ટોપ 2માં પહોંચે છે.